જુનાગઢમાં આદી અનાદીકાળથી કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ગરવા ગીરનારની પાવનકારી લીલી પરિક્રમા આયોજિત થતી હોય છે. જો કે આ વર્ષે ભક્તોના ધસારાને જોતા 24 કલાક પૂર્વે પરિક્રમાનો માર્ગ ખૂલ્લો મુકાયો છે. તંત્રએ ઈટવા ચેકપોસ્ટનો ગેટ ખૂલ્લો મુકી પરિક્રમા માટે આવેલા યાત્રિકોને પ્રવેશ આપ્યો છે.
પરિક્રમાનો માર્ગ જય ગિરનારીના નાદથી જીવંત બની ગયો હતો. પરિક્રમા વિધિવત રીતે કારતક સુદ અગિયારસ એટલે 12 નવેમ્બરે મધ્યરાત્રિથી શરૂ થશે. છેલ્લા કેટલાક વર્ષોથી ભક્તોનો ધસારો વધી રહ્યો છે. આથી પરિક્રમાર્થીઓની ભીડને ધ્યાનમાં લઈને બે દિવસ પહેલા જ પ્રવેશ આપી દેવામાં આવે છે. જંગલ વચ્ચે યાત્રિકોને અગવડ ન પડે તે માટે તંત્ર દ્વારા આ નિર્ણય કરાયો છે. 36 કિલોમીટર લાંબા માર્ગને પ્લાસ્ટિક મુક્ત બનાવવા પણ અભિયાન હાથ ધરાયુ છે.
પરીક્રમામાં આ વખતે પ્લાસ્ટિકના ઉપયોગ પર પ્રતિબંધ મુકાયો છે. ત્યારે તેના રૂટ પર પીવાના પાણીની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે. લોકોને કોઈ તકલીફ ન પડે તે માટે તમામ સુવિધાઓ સાથે વનવિભાગ અને પોલીસ સજ્જ છે.
ભાવિકોને મન આ લીલી પરિક્રમાનું વિશેષ મહત્વ છે. કેટલાય પરિક્રમાર્થીઓ એવાં છે કે જે દર વર્ષે અચૂક પરિક્રમાએ આવે જ છે. કેટલાંક સળંગ દસ વર્ષથી તો કેટલાંક સળંગ 13 વર્ષથી પરિક્રમા કરી રહ્યા છે. ભાવિકોનું કહેવું છે કે જ્યારે પુણ્યનું ભાથુ બંધાયું હોય ત્યારે જ આવો પરિક્રમાનો અવસર મળે.
Input Credit- Vijaysinh Parmar- Junagadh