જવાહર ચાવડાએ પીએમને લખેલા પત્રથી ભાજપમાં થયો ભડકો, સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ કર્યો પલટવાર- Video

|

Sep 17, 2024 | 8:13 PM

જુનાગઢ- લોકસભા ચૂંટણી વખતથી શરૂ થયેલો જુનાગઢ ભાજપનો ભડકો હજુ શાંત થયો નથી. લોકસભાની ચૂંટણી સમયે ભાજપના કોઈ પણ પ્રચાર કાર્યમાં ન જોડાનારા અને પક્ષની દરેક ગતિવિધિથી કિનારો કરનાર જવાહર ચાવડાએ નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને પત્ર લખ્યો છે. આ પત્ર બાદ ભાજપમાં ભડકાની સ્થિતિ છે.

જુનાગઢ ભાજપમાં ફરી એકવાર ભડકો થયો છે. જવાહર ચાવડાએ નરેન્દ્ર મોદીને ઉદ્દેશીને જે પત્ર લખ્યો છે તેનાથી શહેર ભાજપના અનેક કાર્યકર્તાઓના પેટમાં તેલ રેડાયુ છે. આ અંગે સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ જવાહર ચાવડા પર આક્ષેપ કર્યા છે. તેમણે કહ્યુ ચાવડા કોંગ્રેસ હતા ત્યારે પણ પક્ષ વિરોધી પ્રવૃતિ કરતા હતા. જવાહર ચાવડાએ કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા માણાવદરના ધારાસભ્ય અરવિંદ લાડાણીને પેટાચૂંટણીમાં હરાવવાનો પ્રયાસ કર્યો. તેમજ મનસુખ માંડવિયાને હરાવવાના પણ પ્રયાસ કર્યા. કિરીટ પટેલને તેમની કામગીરીના આધારે હોદ્દા મળ્યા છે.

દિનેશ ખટારિયાએ વધુમાં જણાવ્યુ કે પાર્ટીનું કાર્યાલય કાયદેસર બનાવેલુ છે. તેમા કોઈ ગેરરીતિ નથી. ભાજપ કાર્યકર્તાના કહેવા મુજબ નહીં, મોવડીમંડળના કહેવા મુજબ ચાલે છે. જવાહર ચાવડાએ જિલ્લા પ્રમુખ કિરીટ પટેલ અંગે પીએમને પત્ર લખ્યો છે. જેમા કિરીટ પટેલ હોદ્દાનો દુરુપયોગ કરી બીજા લાભ મેળવતા હોવાનો તેમજ એકસાથે ત્રણ ત્રણ હોદ્દા ભોગવતા હોવાનો આક્ષેપ કર્યો છે. ચાવડાએ પીએમને જણાવ્યુ છે કે શિસ્તને વરેલા પક્ષમાં એક વ્યક્તિ એક હોદ્દા અને ત્રણ વર્ષના કાર્યકાળનો હોદ્દો છે. આમ તો આ નિયમો દરેક કાર્યકર્તા કે હોદ્દેદારોને સમાન રીતે લાગુ પડે છે પરંતુ જુનાગઢ તેમા અપવાદ છે. જુનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ છેલ્લા 9 વર્ષથી હોદ્દા પર છે અને આ સ્થાન પર રહી તેનો દુરુપયોગ કરીને બીજા સ્થાનોની પણ પ્રાપ્તિ કરી છે.

એક જ સાથે ત્રણ હોદ્દા પણ ભોગવે છે. જિલ્લા પ્રમુખ, બેંકના પ્રમુખ અને માર્કેટિંગ યાર્ડના પ્રમુખનો હોદ્દો પણ ભોગવે છે . વધુમાં ચાવડાએ લખ્યુ કે આટલા પદ એ સત્તાની લાલસાની પરાકાષ્ટા છે. તેમણે અમુક પદ એકસાથે ભોગવી હપ્તાખોરી અને વસુલીની ચરમસીમા વટાવી છે.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video