જામનગર જિલ્લામાં છેલ્લા દોઢ વર્ષમાં ટ્રેક્ટર અને ટ્રોલીની ચોરીની અનેક વિસ્તારમાં ફરિયાદો નોંધાઈ હતી. જેની તપાસ કરી આખરે LCBની ટીમે બે આરોપીને ઝડપી પાડ્યાં છે. બાતમીના આધારે પોલીસે ઘેલુભા જેઠવા અને અરશી કંડોરીયાની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન 14 ચોરીના ગુનાની કબૂલાત કરી હતી. આ સાથે જ ચોરી કરાયેલી 13 ટ્રોલી, 1 મીની ટ્રેક્ટર સહિત મળી કુલ 14 લાખ 69 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
બન્ને આરોપી ગ્રામ્ય વિસ્તારોમાં સવાર દરમિયાન ચોરી કરવાને ઈરાદે રેકી કરતા હતા. રાત્રી દરમિયાન ટ્રેક્ટર લઈ જઈ ખુલ્લા ખેતરો અથવા કોઈ વ્યક્તિની અવરજવર ન હોય તે સ્થળ પરથી ટ્રોલીની ચોરી કરતા હતા. ચોરી કર્યા બાદ અન્ય ખેડૂતોને કાગળ પછી આપીશું કહીને ટ્રોલીનું વેચાણ કરતા હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે ખેતરોમાંથી ટ્રેક્ટરોની ચોરી થતી હોવાથી ખેડૂતોને ધ્યાન રાખવા પોલીસે અપીલ કરી છે.