જયંતિ સરધારાને ઝટકો, પોલીસ હત્યાના પ્રયાસની કલમ દુર કરવા કોર્ટમાં રિપોર્ટ કરશે ! મનોજ પનારાએ ક્યુ સરધારાએ રાયનો પહાડ બનાવ્યો
સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર PI દ્વારા કરાયેલા હુમલાના સામે આવેલા CCTVમાં હથિયાર જોવા ન મળતા હત્યાના પ્રયાસની ફરિયાદ રદ થશે. જો કે આ મામલે જયંતિ સરધારાએ કહ્યુ કે પોલીસની કાર્યવાહી પર ભરોસો છે. જો કે આ મામલે પાટીદાર અગ્રણી મનોજ પનારાએ કહ્યુ કે સરધારાએ રાયનો પહાડ બનાવ્યો.
સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર થયેલા હુમલા મામલે મોટા સમાચાર સામે આવ્યા છે જયંતિ સરધારાએ પીઆઇ પાદરિયા સામે નોંધાવેલી હત્યાની કોશિશ અંગેની ફરિયાદમાં નવો વળાંક આવ્યો છે આ કેસમાં પુરાવાના અભાવ અને મેડિકલ રિપોર્ટના આધારે પોલીસ કોર્ટમાં હત્યાની કોશિશ અંગેની કલમ દૂર કરવા માટે રિપોર્ટ કરશે. બીજી તરફ જયંતિ સરધારાએ દાવો કર્યો હતો કે તેઓ પોલીસની કાર્યવાહી સામે લડત લડશે.
પોલીસે CCTVના આધારે હત્યાના પ્રયાસની કલમ દૂર કરવા કોર્ટમાં રિપોર્ટ કર્યો
ગત સોમવારના રોજ પૂર્વ કોર્પોરેટર અને સરદારધામના ઉપપ્રમુખ જયંતિ સરધારા પર હુમલો થયો હતો આ કેસમાં જયંતિ સરધારાએ પીઆઇ સંજય પાદરિયા સામે હત્યાની કોશિશ અંગેનો ગુનો તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવ્યો હતો. જયંતિ સરધારાએ દાવો કર્યો હતો કે પીઆઇ પાદરિયાએ તેના પર બંદૂક જેવા હથિયાર વડે હુમલો કર્યો હતો અને તેને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી છે જેથી પોલીસે પ્રાથમિક રીતે BNS ની કલમ 109 એટલે કે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો. જો કે બાદમાં પોલીસે આ અંગે તપાસ શરૂ કરી હતી સીસીટીવી ફુટેજ અને મેડિકલ રિપોર્ટના આધારે પોલીસને આ કેસમાં હત્યાની કોશિશ જેવો ગંભીર ગુનો ન લાગતા હવે પોલીસે કોર્ટમાં રિપોર્ટ કરીને આ કેસમાં હત્યાની કોશિશના કલમ દુર કરવા માટે રિપોર્ટ કર્યો છે
આ અંગે રાજકોટ ડીસીપી ઝોન 2 જગદિશ બાંગરવાએ કહ્યું હતું કે મેડિકલ રિપોર્ટ પ્રમાણે માથાના ભાગે સામાન્ય ઇજા છે જ્યારે સીસીટીવી ફુટેજમાં હથિયાર દેખાઇ રહ્યું નથી પોલીસ તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે પીઆઇ પાદરિયાને સરકારી હથિયાર પણ આપવામાં આવ્યું નથી. જે તે સમયે ફરિયાદીની ફરિયાદના આધારે આ કેસમાં ફરિયાદ દાખલ કરાઇ હતી પરંતુ હવે પુરાવાઓ અને સાક્ષીઓની ચકાસણીના કારણે આ રિપોર્ટ કરવામાં આવ્યો છે.
બીજી તરફ આ પોલીસની કાર્યવાહી સામે જયંતિ સરધારાએ દાવો કર્યો હતો કે અમને ન્યાય તંત્ર પર પુરો ભરોસો છે મેં જે ઘટના સત્ય બની હતી તે જ ફરિયાદમાં ઉલ્લેખ કરાવ્યો છે જો કે જો પોલીસ આ અંગે કોઇ કાર્યવાહી કરશે તો કોર્ટમાં અમે કાયદાકીય લડત લડીશું.
જયંતિ સરધારાને પોલીસ તરફથી ફટકાર મળી છે તો હવે પાટીદાર અગ્રણીઓ પણ જયંતિ સરધારા સામે ખુલીને સામે આવ્યા છે.મનોજ પનારાએ કહ્યું હતું કે જયંતિ સરધારએ રાયનો પહાડ બનાવ્યો છે. જયંતિ સરધારાના વિરોધથી નરેશ પટેલ અને ખોડલધામને કોઇ ફર્ક નહિ પડે. સમાજમાં નરેશ પટેલ પેદા થવા માટે એક પેઢી થાય છે અને પીઆઇ પણ મહામહેનતે સમાજને મળે છે ત્યારે જયંતિ સરધારાએ પોતાના ઇગોને સંતોષવા માટે પીઆઇને સસ્પેન્ડ કરાવ્યા. જયંતિ સરધારાએ સમાજની બંન્ને સંસ્થાને પોતાના વ્યક્તિગત ઇગો સંતોષવા માટે મોટું નુકસાન કર્યું હોવાનો આક્ષેપ લગાવ્યો હતો.