અમરેલીમાં નહીં બદલાય ભાજપના ઉમેદવાર, જિલ્લા પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ કરી સ્પષ્ટતા, કહ્યુ નથી કોઈ રોષ કે વિરોધ
અમરેલીમાં ભાજપના લોકસભા ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં પોસ્ટર લાગતા ભાજપ તુરંત એક્શનમાં આવી ગઈ છે અને વિરોધ વકરે એ પહેલા જ પૂર્વ શિક્ષણમંત્રી અને પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને ડેમેજ કંટ્રોલ કરવા અમરેલી દોડાવ્યા અને બંધબારણે બેઠક યોજી હતી.
અમરેલીમાં પણ ભાજપના ઉમેદવાર ભરત સુતરીયાનો વિરોધ શરૂ થયો. જો કે આ વિરોધ શરૂ થાય તે પહેલા જ ભાજપ ડેમેજ કંટ્રોલની ભૂમિકામાં આવી ગઈ અને તુરંત પાર્ટીએ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને અમરેલી દોડાવ્યા હતા. રૂપાણી સરકારમાં કેબિનેટ મંત્રી રહેલા અને પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ અમરેલીમાં દિલિપ સંઘાણીના નિવાસસ્થાને બંધ બારણે બેઠક યોજી હતી. જેમા પૂર્વ સાંસદ નારણ કાછડિયા, બાવકુ ઉંધાડ, હિરેન હિરપરા, ડૉ. ભરત કાનાબાર સહિતના બેઠકમાં હાજર રહ્યા. સાથે સાથે મુકેશ સંધાણી, ભાજપના ઉમેદવાર ભરત સુતરીયા પણ બેઠકમાં હાજર રહ્યા હતા
‘અમરેલીમાં કોઈ વિરોધ કે રોષ નથી, ઉમેદવાર ભરત સુતરીયા જ રહેશે’
અમરેલી ભાજપના ઉમેદવારના વિવાદ બાદ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સપષ્ટતા કરી કે અમરેલીમાં કોઈ વિરોધ નથી કે કોઇ રોષ નથી. ઉમેદવાર ભરત સુતરીયા જ રહેશે. રૂપાલાના વિરોધ મુદ્દે કહ્યું કે હાલ પ્રયત્ન ચાલી રહ્યા છે વિવાદનો સુખદ અંત આવશે.
અમરેલીમાં ભાજપના ઉમેદવારને લઈને પોસ્ટર વિવાદ મુદ્દે ભરત સુતરીયાએ પણ પ્રતિક્રિયા આપી. રાજુલા કાર્યકર્તા સંમેલનમાં ભરત સુતરીયા વિરોધ કરનારા સામે ખુલીને બોલ્યા. જેને કાદવ ઉછાળવા હોય તે ઊછાળે, અમરેલીમાં તો કમળ ખીલવાનું જ છે.
આ પણ વાંચો: કરણીસેનાના પદ્મિનીબા વાળાએ જયરાજ સિંહ પર સાધ્યુ નિશાન, કહ્યુ સમાજનો બાપ બનવાની કોશિષ ન કરો- વીડિયો
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો