સારંગપુરનો રેલવે ઓવરબ્રિજ દોઢ વર્ષ સુધી રહેશે બંધ, જાણો હવે ક્યાંથી આવવા-જવાનુ ?

| Edited By: | Updated on: Dec 30, 2024 | 2:22 PM

અમદાવાદનો સારંગપુર રેલવે ઓવરબ્રિજ બંધ રહેવાના કારણ ઓઢવ, રખિલાય, બાપુનગર, સરસપુર, ગોમતીપુર, નરોડા, નિકોલ સહિતના વિસ્તારના લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરાઈ છે. પોલીસ કમિશનરના જાહેરનામાના પગલે, અમદાવાદ મ્યુ. ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ અને બીઆરટીએસ બસને પણ વૈકલ્પિક માર્ગે દોડાવવી પડશે. 

અમદાવાદ રેલવે સ્ટેશનના રિનોવેશનના ભાગરુપે, અમદાવાદના બે રેલવે ઓવરબ્રિજ પણ નવા બનાવાશે. જેમા સારંગપુર અને કાલુપુર રેલવે ઓવરબ્રિજનો સમાવેશ થાય છે. પહેલા તબક્કામાં સારંગપુર રેલવે ઓવરબ્રિજ આગામી 2 જાન્યુઆરીથી દોઢ વર્ષ માટે વાહનવ્યવહારની અવર જવર માટે બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ ઉપરથી ઓઢવ, રખિયાલ, ગોમતીપુર, બાપુનગર, નિકોલ, નરોડા તરફથી આવતા અને જતા વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા માટે જણાવવામાં આવ્યું છે.

અમદાવાદ શહેર પોલીસ કમિશનરે બહાર પાડેલા જાહેરનામા અનુસાર, સારંગપુર ઓવરબ્રિજ આગામી 2 જાન્યુઆરીથી લઈને, 30મી જૂન 2026 સુધી વાહનવ્યવહાર માટે બંધ રહેશે. આ બ્રિજ બંધ રહેવાના કારણ ઓઢવ, રખિલાય, બાપુરનગર, ગોમતીપુર, બાપુનગર, નરોડા, નિકોલ સહિતના વિસ્તારના લોકો માટે વૈકલ્પિક વ્યવસ્થા જાહેર કરાઈ છે. આ જાહેરનામાના પગલે, અમદાવાદ મ્યુ. ટ્રાન્સપોર્ટ સર્વિસની બસ, બીઆરટીએસ બસને પણ વૈકલ્પિક માર્ગે દોડાવવી પડશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદના રેલવે સ્ટેશને રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે. રેલવે સ્ટેશનની નવી ડિઝાઈન અનુસાર, સારંગપુર ઓવરબ્રિજ પરથી હવે સીધા જ અમદાવાદ રેલવે સ્ટેશને જઈ શકાશે. અત્યાર સુધી સારંગપુર આવીને પાણીની ટાકીએ થઈને રેલવે સ્ટેશને જવુ પડતું હતું.

નવા વૈકલ્પિક માર્ગઃ

(1)

ગીતા મંદિર, ખાડિયા, ગાંધીરોડ અને કોટવિસ્તાર સહિત અમદાવાદ શહેરમાંથી આવતા-જતા વાહનચાલકોએ કાગડાપીઠ પોલીસ સ્ટેશન પાસે થઈને, વાણિજ્યભવન થઈન અનુપમ-અંબિકા ઓવરબ્રિજ પર આવવા જવાનું રહેશે.

(2) 
રખિયાલ ઓઢવ તરફથી આવતા -જતા વાહનચાલકોએ રખિયાલ ચાર રસ્તાથી ન્યુકોટન ચાર રસ્તા થઈને અનુપમ-અંબિકા ઓવરબ્રિજ આવવા જવાનું રહેશે.

(3)
રખિયાલ ઓઢવ તરફથી આવતા-જતા વાહન ચાલકોને કાલુપુર બ્રિજ-કાલુપુર સર્કલ જવા આવવા માટે, કામદાર મેદાન, ચારતોડા કબ્રસ્તાન થઈને સરસપુર ગુરુદ્વારા થઈને કાલુપુર ઓવરબ્રિજ પર આવ જા કરી શકાશે.

 

 

 

Published on: Dec 30, 2024 02:01 PM