નશામાં ધૂત કાર ચાલક યુવકે અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર સર્જ્યો અકસ્માત, બે નિર્દોષના લીધા જીવ, જુઓ CCTVનો Video
અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર નશામાં ધૂત કારચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી બે નિર્દોષ યુવકોના જીવ લીધા. CCTV ફૂટેજમાં કાર ડિવાઇડર કૂદીને સામેના વાહનને ટક્કર મારતી દેખાય છે. કારચાલક મિતેષ ઉર્ફે ગોપાલ પટેલ ઘટના બાદ પણ નશામાં હતો અને ગીતો સાંભળતો હતો. પોલીસે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી છે.
અમદાવાદમાં નશામાં ધૂત થઇને બેફામ રફ્તાર થકી નિર્દોષ લોકોનો જીવ લેનારા નશેડીઓને જાણે પોલીસ કે કાયદાનો કોઇ ડર ન હોય તેમ એક પછી એક અકસ્માત સર્જી રહ્યા છે. અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર એક કારના ચાલકે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં બેફામ ડ્રાઈવિંગ કરી અકસ્માત સર્જતા બે નિર્દોષ યુવકોના જીવ ગયા છે. અકસ્માતના રૂંવાડા ઉભા કરી દેતા દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે.
સીસીટીવીમાં જોવા મળે છે કે કારચાલક એટલી સ્પીડમાં હતો કે, ડિવાઈડરની જગ્યા પર મૂકેલા પથ્થરો કૂદી કાર હવામાં ફંગોળાઈ હતી અને સામેની બાજુએ આવી રહેલા એક્ટિવાને ટક્કર મારી. જેમાં 26 વર્ષીય અમિત રાઠોડ અને 27 વર્ષીય વિશાલ રાઠોડ બે યુવકોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા. કારચાલકનું નામ મિતેષ ઉર્ફે ગોપાલ પટેલ હોવાનું સામે આવ્યું છે.
અકસ્માત બાદ સ્થાનિક લોકો અને સરપંચ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. લોકોએ જ્યારે કારના ચાલકને ઝડપ્યો ત્યારે તે નશાની હાલતમાં હતો અને લથડિયાં ખાતો હતો. નિર્દોષ યુવકોને કચડી નાંખ્યા બાદ પણ કારચાલક નફ્ફટાઇપૂર્વક દારૂ પીધો હોવાની કબૂલાત કરી. એટલું જ નહીં કારચાલક ગોપાલ પટેલ અને અકસ્માત પછી ઘટનાસ્થળે થાર કાર લઇને આવેલો તેનો પુત્ર બંને ગીતો સાંભળવા લાગ્યા. આથી ઉશ્કેરાયેલા લોકોએ કારચાલકને મેથીપાક ચખાડ્યો.
સમગ્ર મામલે કણભા પોલીસ સ્ટેશને કારચાલક ગોપાલ પટેલ વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. વાસણા ગામના કાળુસિંહ દીપસિંહ રાઠોડની ફરિયાદના આધારે ગુનો દાખલ કરાયો છે… પોલીસે કારચાલકનું તબીબી પરિક્ષણ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.