ગુજરાતના તથાકથિત વિકાસ મોડલના લીરેલીરા ઉડાડતા દૃશ્યો ડભોઈના કુકડ ગામેથી સામે આવ્યા, રસ્તાના અભાવે મૃતદેહને ટ્રેક્ટરમાં લઈ જવો પડ્યો- Video
વડોદરાના ડભોઈ તાલુકાના કુકડ ગામે મોતનો મલાજો પણ જળવાયો નથી અને ફરી એકવાર ગુજરાતના કથિત વિકાસ મોડલના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવ્યા છે. હજુ છોટાઉદેપુરમાં રસ્તાના અભાવે પ્રસુતાના મોતની શ્યાહી સુકાઈ નથી ત્યા કુકડ ગામે રસ્તો ન હોવાથી મૃતદેહને ટ્રેકટરમાં નાખીને લઈ જવાની ફરજ પડી.
માણસનું જીવન ગમે તેટલી મુશ્કેલીઓથી ઘેરાયેલું હોય પણ તેની અંતિમ ઈચ્છા એ જ હોય કે મૃત્યુ બાદ શાંતિ મળશે. પણ, શરમજનક વાત એ છે કે તંત્રના અણઘડ વહીવટને અભાવે ઘણીવાર લોકોને તે પણ નસીબ નથી થતું. વડોદરાના ડભોઈ તાલુકાના કુકડ ગામેથી ખૂબ જ ચિંતાજનક દ્રશ્યો સામે આવી રહ્યા છે. પાકા રસ્તાના અભાવે કુકડ વસાહતના નર્મદા વિસ્થાપિતોની સ્થિતિ કફોડી બની છે. અહીં મૃત્યુ બાદ માણસને કાંધ આપનારા તો ઘણાં લોકો છે. પરંતુ, અહીંના રસ્તા એ હદે ખરાબ છે કે લોકો કાંધ આપી શકે તેમ નથી. કુકડ ગામથી લગભગ દોઢ કિલોમટીરના અંતરે સ્મશાન આવેલું છે અને તે સ્મશાન સુધી પહોંચવાનો રસ્તો એટલો દુર્ગમ છે કે લોકોએ મૃતદેહને ટ્રેક્ટરમાં મુકીને સ્મશાને લઈ જવો પડે છે.
પરંતુ, હાલમાં જ બનેલી એક ઘટના પણ જોઈ લો. મૃતદેહ લઈને જતું ટ્રેક્ટર પણ કાચા રસ્તામાં ફસાઈ ગયું. અને ડાઘુઓ હાલાકીમાં મુકાયા. આખરે ટ્રેક્ટરને બહાર કાઢવા માટે અને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવા માટે ગામમાંથી બીજું ટ્રેક્ટર બોલાવવામાં આવ્યું. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર ચોમાસે તેમને સ્મશાને પહોંચવા માટે આવી જ હાલાકી સહન કરવાનો વારો આવે છે. ગામના આગેવાનો આ અંગે રજૂઆતો કરી કરીને થાક્યા. પરંતુ, આ જ સુધી તંત્ર દ્વારા પાક્કા રસ્તાનું નિર્માણ નથી કરાયું.
ગુજરાતના કહેવાતા વિકાસ મોડલના મોટા મોટા દાવા કરવામાં આવે છે. ત્યારે વરવી હકીકત આ પણ છે કે લોકોને અહીં મૃત્યુ બાદ પણ શાંતિ નથી. પાકા રસ્તાના અભાવે કાદવ કિચડમાંથી પસાર થતા લોકો પરેશાન છે પરંતુ તંત્રને તેની કંઈ ચિંતા જ નથી. હજુ બે દિવસ પહેલા જ આવા દુર્ગમ રસ્તાને કારણે છોટાઉદેપુરમાં પ્રસુતાનું મોત થઈ ગયુ પરંતુ તંત્રની આંખ હજુ ખૂલી રહી નથી. રસ્તો ન હોવાથી પ્રસુતાને 5 કિલોમીટરના દુર્ગમ માર્ગ પર ઝોળીમાં નાખીને લઈ જઈ રહ્યા હતા એ સમયે જ અસહ્ય દુખાવો થતા રસ્તામાં જ ડિલિવરી કરવી પડી અને બાળકીનો જન્મ થયો પરંતુ માતાનો જીવ બચી ન શક્યો. જો એ પ્રસુતાને તાત્કાલિક સારવાર મળતી તો એ આજે જીવિત હોત. પરંતુ અહીં ગરીબ લોકોની મુશ્કેલીઓની તંત્રને કંઈ પડી નથી. જે સમયે કોઈ મિનિસ્ટર મુલાકાતે આવવાના હોય તો રાતોરાત આખે આખા રસ્તાનો કાયાપલટ થઈ શકે છે પરંતુ ગુજરાતના અનેક એવા ગામો છે જ્યાં આઝાદીના 75 વર્ષ બાદ પણ પાકા રસ્તાની સુવિધા જ નથી.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો