સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ ફેરવી તોળ્યુ,કોઇ વ્યક્તિ કે સંપ્રદાય નહીં પણ હવે સનાતન ધર્મના પાઠ શીખવશે

|

Sep 13, 2022 | 1:03 PM

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગીરીશ ભીમાણીએ ઇન્દ્રભારતી બાપુ સાથે બે કલાક ચર્ચા કરી હતી અને ત્યારબાદ સનાતન ધર્મ અંગે કોર્સ શરૂ અંગેની જાહેરાત કરી છે.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં (Saurashtra university) કોઇ વ્યક્તિ કે સંપ્રદાય આધારિત નહીં, પરંતુ સનાતન ધર્મ અંગે કોર્સ શરૂ કરાશે. આ જાહેરાત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ગીરીશ ભીમાણીએ (Girish Bhimani)  કરી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં BAPSનો કોર્સ શરૂ કરવાનો મુદ્દો વિવાદનું કારણ બન્યો હતો. ખુદ ગીરનારી સાઘુ મંડળના પ્રમુખ ઇન્દ્રભારતી બાપુએ (indrabharti bapu) પણ આ મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો. ચોમેરથી વિરોધનો વંટોળ સર્જાયા બાદ કુલપતિ એક્શનમાં આવ્યા અને વિરોધના વંટોળને શાંત પાડવાનો પ્રયાસ કર્યો છે.

ગીરીશ ભીમાણીએ સ્પષ્ટતા કરી છે કે, નવો કોર્સ વ્યક્તિ કે સંપ્રદાય આધારિત નહીં હોય, પરંતુ સનાતન ઘર્મના પાઠ ભણાવાશે. મહત્વપૂર્ણ છે કે કુલપતિ ગીરીશ ભીમાણીએ ઇન્દ્રભારતી બાપુ સાથે બે કલાક ચર્ચા કરી હતી અને ત્યારબાદ આ જાહેરાત કરી છે. કુલપતિ ગીરીશ ભિમાણીએ જણાવ્યુ કે, તમામ સંતોને સાથે રાખીને કોર્સ માટે અભ્યાસક્રમ તૈયાર કરાશે.

વિરોધના વંટોળ બાદ કુલપતિ એક્શનમાં

આ અગાઉ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા એવી BAPSએ તૈયાર કરેલો કોર્સ આગામી શૈક્ષણિક વર્ષથી (Education year)  ફરજિયાત કર્યુ હતુ. આ મામલે યુનિવર્સિટીના રજીસ્ટારે એક પરિપત્ર પણ બહાર પાડ્યો હતો. બે સેમેસ્ટરના આ કોર્સ શીખવવા માટે કોઇ લાયકાત પણ નક્કી કરાઈ નહોતી. એટલુ જ નહીં વિદ્યાર્થીઓએ આ કોર્સ માટેના પુસ્તકો બીએપીએસ સંસ્થા પાસેથી જ ખરીદવાનુ પરિપત્રમાં જણાવવામાં આવ્યુ હતુ.જે બાદ સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી વિવાદમાં (Controversy) આવી હતી.

Published On - 12:51 pm, Tue, 13 September 22

Next Video