ગુજરાત દેશની સમૃદ્ધિનું દ્વાર બન્યું…આજે વિશ્વના દેશો ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે : PM મોદી

|

Oct 28, 2024 | 5:15 PM

PM મોદીએ દિવાળી પહેલા સૌરાષ્ટ્રને 4800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. અમરેલીમાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ દુધાળામાં જાહેર સભાને સંબોધતા PM મોદીએ કહ્યું કે, સૌરાષ્ટ્ર અને અમરેલીની ઘરતીએ દેશને અનેક રત્નો આપ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે વડોદરામાં એરફોર્સના C-295 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટના મેન્યુફેક્ચરિંગ એસેમ્બલી લાઈનનું ઉદઘાટન કર્યું હતું. વડોદરા બાદ PM મોદી સૌરાષ્ટ્રની મુલાકાતે પહોંચ્યા છે. અમરેલીથી PM મોદીના હસ્તે વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું.

અમરેલીમાં વિકાસકાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત બાદ દુધાળામાં જાહેર સભાને સંબોધતા PM મોદીએ કહ્યું કે, ગુજરાત આજે દેશની સમૃદ્ધિનું દ્વાર બન્યું છે. આજે વિશ્વના દેશો ભારતમાં રોકાણ કરવા પડાપડી કરે છે. વધુમાં તેમણે કહ્યું કે, પાણીનું મહત્વ શું હોય છે તે સૌરાષ્ટ્રના કે ગુજરાતના લોકોને સમજાવવું ના પડે. એક સમયે પાણીના અભાવે લોકો હિજરત કરતા હતા. ત્યારે આજે નર્મદાનું પાણી ગામે ગામે પહોંચીને પુણ્ય વહેંચી રહ્યું છે.

પીએમ મોદીએ કહ્યું કે, મેં વર્ષો પહેલા કહ્યું હતું કે આપણે સ્વીટ રિવોલ્યુશન કર્યું છે. મધનું ઉત્પાદન કરીને ખેતરોમાં મધનું ઉત્પાદન કરવું જોઈએ અને મજાકમાં એમ પણ કહ્યું કે ‘હની’ ફક્ત ઘરમાં કહેવા પુરતું નથી રહ્યું, હવે ખેતરોમાં મધમાખી પાલન થવા લાગ્યું છે. આજે અહીંનું મધ પણ પોતાની એક ઓળખ ઉભી કરી રહ્યું છે.

PM મોદીએ સૌરાષ્ટ્રના 8 જિલ્લાને રૂ.4800 કરોડના વિકાસકાર્યોની ભેટ આપી છે. જેમાં 705 કરોડના પાણી પુરવઠાની યોજનાનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવ્યું, તો 35 કરોડના ખર્ચે તૈયાર ભારત માતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવ્યું, 20 કરોડના પિટ, બોર, કૂવા રિચાર્જના કામોનું ખાતમુહૂર્ત કરાયું. આ ઉપરાંત સૌરાષ્ટ્રને નવા ચાર નેશનલ હાઇવેની ભેટ આપી છે.

 

Published On - 5:09 pm, Mon, 28 October 24

Next Video