ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ કરાવ્યો ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ, કહ્યું ‘ગૌરવ યાત્રા ભાજપની નહીં પરંતુ ભારતની યાત્રા છે’
ભાજપની (BJP) ગૌરવ યાત્રાની શરુઆત થઇ ગઇ છે. ત્યારે આ યાત્રા 20 ઓક્ટોબર સુધી વિવિધ જિલ્લામાં પરિભ્રમણ કરશે. ભાજપ દ્વારા 5 તબક્કાની યાત્રામાં 144 બેઠક આવરી લેવામાં આવશે.
ભાજપના (BJP) રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા (JP Nadda) દ્વારા ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવવામાં આવ્યો છે. આ સાથે જ ભાજપે આજથી ચૂંટણી પ્રચારના શ્રીગણેશ શરૂ કરી દીધા છે. બહુચરાજી (Bahuchraji) માતાના મઢથી ગૌરવ યાત્રાની શરુઆત કરાવવામાં આવી છે. આ પ્રસંગે મુખ્યમંત્રીભુપેન્દ્ર પટેલ (Bhupendra Patel) પણ હાજર રહ્યા હતા. તો કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલ, ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ, નીતિન પટેલ અને રજની પટેલ પણ હાજર રહ્યા હતા. બહુચરાજી માતાના મંદિરે માતાજીના દર્શન કર્યા પછી વિધિવત રીતે જે.પી. નડ્ડાએ ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો.
ભાજપની ગૌરવ યાત્રાની શરુઆત થઇ ગઇ છે. ત્યારે આ યાત્રા 20 ઓક્ટોબર સુધી વિવિધ જિલ્લામાં પરિભ્રમણ કરશે. ભાજપ દ્વારા 5 તબક્કાની યાત્રામાં 144 બેઠક આવરી લેવામાં આવશે. 5734 કિમીની યાત્રામાં 145 જાહેરસભા યોજશે. આ ગૌરવ યાત્રા 12 થી 20 ઓક્ટોબર સુધી ચાલશે. જેમાં ભાજપે 5 કેન્દ્રીય પ્રધાનોના શીરે યાત્રાની જવાબદારી થોપી છે. આ યાત્રા 9 જિલ્લાના 33 વિધાનસભા મત વિસ્તારોને આવરી લેશે.. 1 હજાર 730 કિલોમીટરની આ યાત્રામાં 38 જગ્યાઓ પર સભા પણ યોજાશે.
ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાએ ગુજરાત ગૌરવ યાત્રાનો પ્રારંભ કરાવતા પહેલા સંબોધન કર્યુ હતુ. જેમાં તેમણે કહ્યુ હતુ કે આ ગૌરવ યાત્રા માત્ર ભાજપની નહીં પરંતુ ભારતની યાત્રા છે. મારુ સૌભાગ્ય છે કે હું ગૌરવયાત્રાનો પ્રારંભ કરાવુ છું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીમાં દેશ પ્રગતિની છલાંગ લગાવી રહ્યુ છે. ત્યારે એ ગૌરવ યાત્રાની ગંગોત્રી ગુજરાત છે. તેમણે જણાવ્યુ કે, ગુજરાતે ઘણા સંત આપ્યા છે.ગુજકાતે ઘણા સમાજ સુધારક પણ આપ્યા છે. તેથી હું ગુજરાતની મહાન ભૂમિ પરથી તમામ શક્તિપીઠોને નમન કરું છું.
મહત્વનું છે કે જ્યારે 13 ઓક્ટોબરે ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) ત્રણ જગ્યાએથી યાત્રાનો પ્રારંભ કરાવશે. ગૃહપ્રધાન અમિત શાહની ત્રણ યાત્રામાંથી એકને ભગવાન બિરસા મુંડા આદિવાસી ગૌરવ યાત્રા નામ આપવામાં આવ્યું છે. ગુજરાત ગૌરવ યાત્રાની દેખરેખની જવાબદારી 5 કેન્દ્રીય પ્રધાનોને (Union Minister) આપવામાં આવી છે. ભાજપની ગુજરાત ગૌરવ યાત્રા 5734 કિલોમીટરની મુસાફરી કરીને 144 વિધાનસભા મતવિસ્તારોમાંથી પસાર થશે.