ભાવનગર: મહુવાના બગદાણા- કોટિયા રોડની બિસ્માર સ્થિતિને લઈને ગામલોકોમાં રોષ, ચૂંટણી બહિષ્કારની ચીમકી- સૂત્ર- વીડિયો
ભાવનગરમાં આવેલા મહુવાના બગદાણા- કોટિયા રોડની સ્થિતિને લઈને ગામલોકોમાં ભારે રોષની સ્થિતિ છે. અત્યંત બિસ્માર રસ્તાને લઈને ગામલોકોને પારાવાર હાલાકી સહન કરવી પડે છે. જિલ્લા પંચાયતના રોડ વિભાગની બેદરકારીના પાપે ગામલોકો છેલ્લા બે વર્ષથી મુશ્કેલી સહન કરી રહ્યા છે.
ભાવનગરના મહુવા તાલુકામાં આવેલા બગદાણા ગામથી કોટિયા ગામને જોડતા રસ્તો અત્યંત બિસ્માર હાલતમાં છે. છેલ્લા છ મહિનાથી ખરાબ રસ્તાને કારણે ગામલોકોને પારાવાર મુશ્કેલી સહન કરવી પડી રહી છે. સોશિયલ મીડિયામાં વીડિયો બનાવી ગામલોકોએ ભાવનગર તંત્ર અને રાજનેતા સામે રોષ ઠાલવ્યો છે. ગામલોકોનો આરોપ છે કે છેલ્લા 6 મહિનાથી રોડ બનાવી દેવાની લોલિપોપ આપવામાં આવી રહી છે પરંતુ હજુ સુધી રોડ બન્યો નથી. બે વર્ષથી બગદાણાથી કોટિયા, કળમોદર, વાવડી વિસ્તારના રોડની ખરાબ હાલત છે.
6 મહિનાથી રોડનું કામ અધૂરુ, ગામલોકોને પારાવાર હાલાકી
ભાવનગર જિલ્લા પંચાયતી રોડ વિભાગની બેદરકારીને કારણે ગામથી ગામને જોડતા રસ્તાઓની બિસ્માર હાલત છે. રોડની ખરાબ સ્થિતિને કારણે ગામલોકો અનેકવાર અકસ્માતનો ભોગ બને છે. અનેકવાર રજૂઆત કરવા છતા તંત્ર દ્વારા રોડની કામગીરી કરવામાં આવતી નથી. છેલ્લા છ મહિનાથી જિલ્લા પંચાયતની રોડ વિભાગની એજન્સી દ્વારા રોડ બનાવવા ખોદકામ તો શરૂ કરી દીધુ છે પરંતુ કામ હજુ સુધી અધુરુ છે. જેને લઈને ગામલોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે. ગામના લોકો, આગેવાનો દ્વારા આ અંગે અનેકવાર જિલ્લા પંચાયતના સભ્યોને રજૂઆત કરવામાં આવી છે છતા તેમની રજૂઆત કાને ધરવામાં આવી નથી.
ગામલોકોએ ચૂંટણી બહિષ્કારની ઉચ્ચારી ચીમકી- સૂત્ર
સૂત્રોના જણાવ્યા અનુસાર જો તાત્કાલિક ધોરણે રોડની કામગીરી નહીં કરવામાં આવે તો ગામલોકો ચૂંટણીનો બહિષ્કાર કરશે તેવી પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે ગામલોકોની સમસ્યા દૂર થાય અને રોડ સારો થાય તે અત્યંત જરૂરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો