Gujarat Video: શામળીયા ભગવાનને કરાવાયુ વિશેષ સ્નાન, મોગરાના ફુલોની સુગંધ સાથે ઠંડા જળ વડે પરંપરા મુજબ કરાવાયા છે ખાસ વિધી
Shamlaji: ભગવાન શામળીયાને વિશેષ સ્નાન ખાસ પ્રકારે તૈયાર કરવામાં આવેલા જળ વડે પરંપરાનુસાર કરવામાં આવે છે. સ્નાન બાદ ભગવાનને સુંદર રીતે શણગારવામાં આવતા હોય છે, જેના દર્શન કરવા માટે ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટતી હોય છે.
જેઠ મહિનાની પૂર્ણિમાએ અરવલ્લી જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ શામળાજી મંદિર ખાતે ભક્તોની ભીડ મોટી સંખ્યામાં ઉમટી પડી હતી. જેઠ પૂર્ણિમાને લઈ જયેષ્ઠા સ્નાન કરવામાં આવ્યુ હતુ. પરંપરા મુજબ શામળાજી મંદિરમાં બિરાજમાન ભગવાન શામળાજીની પ્રતિમાને વિશેષ સ્નાન કરાવવામાં આવ્યુ હતુ. આ વિશેષ સ્નાન બાદ શણગારથી સુંદર સજાવાયેલા ભગવાન શામળીયાના દર્શન કરવા માટે ભક્તો હજ્જારોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. દીવ-દમણ, દાદરા અને નગર હવેલી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલ, રાજ્યના અન્ન નાગરીક પુરવઠા પ્રધાન ભીખુસિંહ પરમારે શામળીયાના દર્શન કર્યા હતા.
ભગવાનને જયેષ્ઠા સ્નાન કરાવવાની જેઠ મહિનાની પૂર્ણિમાએ પરંપરા રહેલી છે. આ મુજબ મંદિરના મુખીયાજી અને પુજારીઓ દ્વારા ખાસ સ્નાન માટે પરંપરા મુજબ પાણી તૈયાર કરવામાં આવે છે. કેસૂડા, કેસર અને મોગરાના ફુલ પાણીમાં નાંખીને તૈયાર કરવામાં આવેલ સુગંધિત અને ઠંડા જળ વડે ભગવાનની પ્રતિમાનુ સ્નાન કરવાની વિધી કરવામાં આવે છે. પ્રતિવર્ષ માત્ર એક જ વાર આ પ્રકારે ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે. આ દિવસે ભક્તો પણ દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે. જેઠ માસની પૂર્ણિમાએ વિશેષ સ્નાન બાદ ભગવાનને સુંદર રીતે શણગારવામાં આવે છે, અને સુંદર મજાના વાઘા-વસ્ત્ર પહેરાવવામાં આવે છે.