અંબાજી પર્વત પર સતત 21 દિવસથી આંટાફેરા કરી રહેલુ રીંછ આખરે પાંજરે પૂરાયુ, વેપારીઓએ લીધો રાહતનો શ્વાસ- Video

| Edited By: | Updated on: Sep 08, 2024 | 5:53 PM

અંબાજી પર્વત પર સતત છેલ્લા 21 દિવસથી રીંછે ધામા નાખ્યા હતા અને અલગ અલગ જગ્યાએ આંટાફેરા કરતુ જોવા મળી રહ્યુ હતુ. જેને લઈને વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા હતા. હાલ ભાદરવી પૂનમના મેળાની પણ તડામાર તૈયારીઓ ચાલી રહી છે ત્યારે યાત્રિકોની સુરક્ષાને લઈને પણ ચિંતા વધી હતી. જો કે વનવિભાગના પ્રયાસોથી આખરે આ રીંછ પાંજરે પુરાઈ જતા વનવિભાગ અને વેપારીઓ સહિત સહુ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે.

અંબાજી પર્વત પર સતત 21 દિવસથી રીંછ અલગ-અલગ જગ્યાએ દેખા દેતું હતું..આખરે વનવિભાગને રીંછને પાંજરે પુરવામાં સફળતા મળી છે. ભાદરવી પૂનમના મેળા નિમિત્તિ મોટી સંખ્યામાં પદયાત્રીઓ અંબાજી આવતા હોય છે. આવા સમયે રીંછના હુમલાની ભીતિ હતી. પરંતુ વનવિભાગે મેગા ઑપરેશન કરીને રીંછનું રેસ્ક્યૂ ઑપરેશન પાર પાડ્યું છે. ગબ્બર પર રીંછને પકડવા માટે 5 કલાકની મહેનત બાદ ટીમ દ્વારા રીંછને ગઈ રાત્રે પકડી પાડવામાં આવ્યુ હતું. ફોરેસ્ટ ટીમ અને રેસ્ક્યૂ ટીમ દ્વારા સ્ટેંક્યું ગનથી બેભાન કરી રીંછનું રેસ્કયૂ કરાયું હતું.

સતત 22 દિવસથી ગબ્બરની પહાડીઓ પર રીંછ આંટાફેરા કરતુ હતુ. ત્યારે ગબ્બર પર આવતા યાત્રીકોની સુરક્ષાને લઇને સવાલો ઊભા થયા હતા. ત્યાર બાદ ગઈકાલે સવારથી જ રેસ્ક્યૂ ટીમ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા સતત મોનીટરીંગ અને વોચ રાખી આખરે રીંછનું રેસક્યૂ કરાયું હતું.

રીંછ પાંજરે પુરાતા હવે અંબાજીના વેપારીઓએ રાહત અનુભવી છે કારણ કે રીંછના હુમલાની ભીતિના કારણે કેટલીક જગ્યાએ વેપારીઓ દુકાનો ખોલતા ન હતા.  કેટલીક જગ્યાએ રીંછે માલ-સામાનને નુક્સાન કર્યાનું પણ સામે આવ્યું હતું

અંબાજીમાં ભાદરવી પૂનમ પર લાખો ભક્તો આવે છે. પ્રવાસીઓ અને પગપાળા ચાલીને આવતા ભક્તોને હવે રાહત મળી છે કારણ કે વનવિભાગે રીંછનું રેસ્ક્યૂ કરી લીધું હોવાથી હવે કોઈ હુમલાની ભીતિ નથી

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Sep 08, 2024 05:52 PM