Bhavnagar : પાલિતાણામાં તીર્થ સ્થાનમાં તોડફોડના પડઘા દેશભરમાં પડ્યા, પાલિતાણામાં આજે વિશાળ રેલી નીકળશે

| Edited By: | Updated on: Dec 18, 2022 | 9:48 AM

Bhavnagar News : જૈન સમાજની વિશાળ રેલીને પગલે પાલિતાણામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અસામાજિક તત્વોના વિરૂદ્ધમાં જૈન સંઘોએ વિવિધ માગણીઓ મૂકી છે.

ભાવનગરના પાલિતાણામાં તીર્થ સ્થાનમાં થયેલી તોડફોડના કારણે સર્જાયેલો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. ભાવનગરના પાલિતાણા શેત્રુંજય પર્વત પર ચાલતો વિવાદ વકરી રહ્યો છે. થોડા સમય અગાઉ શિવાલય મુદ્દે હિંદુ મંચે આંદોલન ચલાવતા સરકારે મધ્યસ્થી કરવી પડી હતી. આ વિવાદ માંડ સમ્યો ત્યાં શેઠ આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા સૂરજકુંડ ખાતે લગાવાવમાં આવેલા CCTVના થાંભલાને, તોફાની તત્વોએ નુકસાન કરતા જૈન સમાજમાં રોષ ફેલાયો છે. ત્યારે હવે જૈનોના શેત્રુંજય મહાતીર્થની રક્ષા માટે આજે પાલિતાણામાં તોફાની તત્વોના વિરોધમાં વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યુ છે. આ રેલીમાં મુંબઈ, બેંગલુરુ, મદ્રાસ, સુરત, વડોદરા, અમદાવાદ, ભાવનગરના જૈનો જોડાશે.

રેલીના પગલે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવાયો

જૈન સમાજની વિશાળ રેલીને પગલે પાલિતાણામાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અસામાજિક તત્વોના વિરૂદ્ધમાં જૈન સંઘોએ વિવિધ માગણીઓ મૂકી છે. જેમાં રોહિશાળામાં પ્રભુના ચરણપાદુકાની તોડફોડની ઘટનામાં તાત્કાલિક ધોરણે તપાસ કરીને કડક કાર્યવાહી કરવામાં આવે, 12 ગાઉના રૂટ ઉપર અને અન્ય સ્થળે ગેરકાયદે થતા માઈનિંગને બંધ કરાવવામાં આવે, મના રાઠોડ સહિત અન્ય 5થી 7 માથાભારે તત્વો પર કડક કાર્યવાહી કરવામાં આવે, ગિરિરાજ ઉપર કરાયેલા ગેરકાયદે બાંદકામો અને દબાણો દૂર કરવામાં આવે, તળેટી રોડ પરના લારી-ગલ્લાના દબાણોને દૂર કરીને વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે, જંબુદ્વીપ નજીક આવેલી દારૂની ભઠ્ઠીઓને દૂર કરવામાં આવે અને ડોલી એસોસિએશનનો વહીવટ બદલવાની માગણી કરવામાં આવી છે.

લાંબા સમયથી ચાલી રહ્યુ છે આંદોલન

ઉલ્લેખનીય છે કે શિવ મંદિર મુદ્દે હિન્દુ મંચ લાંબા સમયથી આંદોલન ચલાવી રહ્યો છે અને આ મામલે મંદિરના પૂજારી દ્વારા અરજી પણ કરવામાં આવી છે. તો બીજી તરફ, ગૃહ વિભાગે પણ આ મામલાની ગંભીર નોંધ લીધી છે. ગૃહ વિભાગ દ્વારા ઉચ્ચસ્તરીય બેઠક મળી હતી. સમગ્ર વિવાદને લઈ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ SP અને IGની બેઠક બોલાવી હતી. જેમાં વિવાદ અંગે ચર્ચા થઇ. વીડિયો કોન્ફરન્સના માધ્યમથી પણ આઈજી અને એસપી રેન્કના અધિકારીઓ જોડાયા હતા. આખરે આ ઘટનાનું મૂળ કારણ શું હતુ તેને આધારે રિપોર્ટ તૈયાર કરવામાં આવશે.