ચોમાસાએ કેરળમાં દીધી દસ્તક, મૌસમના પહેલા વરસાદમાં જ તબાહીના દૃશ્યો આવ્યા સામે, અનેક વિસ્તારોમાં જળબંબાકાર, 4 લોકોના મોત- Video

|

May 23, 2024 | 7:15 PM

કેરળમાં સિઝનના પહેલા વરસાદમાં જ તબાહીના દૃશ્યો સામે આવ્યા છે. મૌસમનો પહેલો વરસાદ જ કેરળમાં મુસીબતનો વરસાદ બનીને ખાબક્યો છે. ભારે વરસાદની આગાહી વચ્ચે કેરળના અનેક વિસ્તારો હાલ પાણીમાં ગરકાવ થયા છે જ્યારે અત્યાર સુધીમાં 4 લોકોના મોત થયા છે.

આ વખતે કેરળમાં ચોમાસાની શરૂઆત વહેલી થઈ ગઈ છે. જો કે કેરળમાં પહેલો વરસાદ ખાબક્યા બાદ જે દૃશ્યો સામે આવ્યા છે તે ઘણા ચિંતાજનક છે. ગુજરાત સહિત દેશના અનેક રાજ્યો કાળઝાળ ગરમીનો સામનો કરી રહ્યા છે ત્યારે ચોમાસું કેરળ પહોંચી ચૂક્યું છે. પરંતુ, ખુદ કેરળવાસીઓએ પણ કલ્પના નહીં કરી હોય કે આટલી ભારે શરૂઆત થશે.

કાળઝાળ ગરમી વચ્ચે કેરળમાં વરસાદની શરૂઆત થઈ. પરંતુ, લોકો રાહત મેળવે તે પહેલાં જ ચિંતાનજક દૃશ્યો સામે આવવા લાગ્યા. પહેલાં જ વરસાદમાં કેરળના રસ્તા પાણી-પાણી થઈ ગયા હોવાની ઘટના સામે આવી છે. તો કેટલાંક રહેણાંક વિસ્તારોમાં પણ વરસાદના પાણી ફરી વળ્યા હોવાના અહેવાલ છે. બીજી તરફ ભારે વરસાદને પગલે દરિયાના મોજા પણ તોફાની બન્યા છે અને એટલે જ દરિયા કિનારાના વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

હજુ તો વરસાદી મૌસમની શરૂઆત જ થઈ છે ત્યાં જ કેરળમાં 4 લોકોના મોત નિપજ્યા હોવાના સમાચાર સામે આવ્યા છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા એર્નાકુલમ, ત્રિશૂર, ઈડુક્કી, પલક્કડ, મલપ્પુરમ, કોઝિકોડ અને વાયનાડ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. લોકોને સતર્ક કરવામાં આવ્યા છે. એટલું જ નહીં મદદ માટે હેલ્પલાઈન નંબર પણ જાહેર કરાયા છે.

સૌથી ચિંતાજનક દૃશ્યો કેરળના દરિયાકિનારે જોવા મળી રહ્યા છે કે જ્યાં મોજા ખૂબ જ તોફાની બન્યા છે. કાંઠાના કેટલાંક વિસ્તારોમાં 3.3 મીટર ઊંચી લહેરો ઉઠી રહી છે. માછીમારોને નવી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો નહીં ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. 26 મે સુધી કેરળમાં ભારે પવન અને વીજળી સાથે વરસાદ પડવાની શક્યતા છે. હાલ તો શરૂઆતના દૃશ્યો જ આવા ભયનજક છે ત્યારે આવનારી પરિસ્થિતિ શું હશે તે અંગેલોકો ચિંતામાં મુકાયા છે.

Published On - 7:05 pm, Thu, 23 May 24

Next Video