રમખાણોની આગમાં ભડકે બળ્યુ બ્રિટન, ઠેર-ઠેર આગચંપી, હુમલાના ભયાનક દૃશ્યોએ વિશ્વને કરી દીધુ સ્તબ્ધ- Video

| Edited By: | Updated on: Jul 19, 2024 | 6:06 PM

બ્રિટનના લીડ્સ શહેરમાં રાત્રે ફાટી નીકળેલા રમખાણોએ સમગ્ર શહેરને બાનમાં લીધુ છે. ઠેર-ઠેર આગચંપી અને હુમલાના ભયાનક દૃશ્યોએ બ્રિટન સહિત સમગ્ર વિશ્વને સ્તબ્ધ કરી દીધું છે.

આગચંપી, પથ્થરમારો, પોલીસ પર હુમલો સહિતના ભયાનક દૃશ્યો બ્રિટનના લીડ્સ શહેરથી સામે આવ્યા છે. લીડસમાં રાત્રે રમખાણો શરૂ થયા અને જોતજોતામાં આખું શહેર રમખાણોની આગની લપેટમાં આવી ગયું. શહેરમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા અને તેમણે રીતસર આતંક મચાવ્યો.

તોફાનો દરમિયાન લોકોએ બસને આગ ચાંપી દીધી. પોલીસના વાહનો પર પણ હુમલો કર્યો. આગચંપી અને પથ્થરમારાના વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થઇ રહ્યા છે. જેમાં જોઇ શકાય છે કે તોફાનીઓ પોલીસવાન પર પણ હુમલો કરી રહ્યા હતા. તેઓ પથ્થરોથી માંડીને વાઇન અને કચરો જે કંઈ મળે તે પોલીસવાન પર ફેંકી રહ્યા છે.

વેસ્ટ યોર્કશાયર પોલીસનું કહેવું છે કે લીડ્ઝના હેરહિલ્સ વિસ્તારમાં લુક્સર સ્ટ્રીટ પર ગુરુવારે સ્થાનિક સમય પ્રમાણે 5 વાગ્યે લોકોની ભીડ એકઠી થવા લાગી. આ ભીડમાં ઘણા બાળકો પણ સામેલ હતા. એકત્ર થયેલી ભીડ ગુસ્સે થઈ ગઈ અને થોડી જ વારમાં તોફાનો ફાટી નીકળ્યાં. વાઇરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે મોટી સંખ્યામાં લોકો પોલીસની ગાડી પર હુમલો કરી રહ્યા છે.

એક વીડિયોમાં એક વ્યક્તિ બસને આગ લગાડી રહ્યો છે જ્યારે કેટલાક લોકો કચરો ફેંકી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં જોઈ શકાય છે કે કેટલાક લોકો એક મોટું ફ્રીઝ લાવી તેને રસ્તા પર લાગેલી આગમાં ફેંકી રહ્યા છે. યુકેના ગૃહપ્રધાન યવેટ કૂપરે કહ્યું કે તે લીડ્ઝમાં અશાંતિના સમાચારથી આઘાતમાં છે. તે સતત પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

રમખાણોની આગમાં ધકેલાઇ ગયું લીડ્સ. પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આખરે શા માટે ફેલાયા રમખાણો ? આ રમખાણોનું કારણ છે સ્થાનિક ચાઇલ્ડ કેર એજન્સી તરફથી બહાર પાડવામાં આવેલું ફરમાન. સ્થાનિક બાળસંભાળ એજન્સી દ્વારા બાળકોને તેમનાં માતાપિતાથી અલગ કરવામાં આવી રહ્યાં છે અને બાળસંભાળ ગૃહમાં રાખવામાં આવી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોમાં ઘણાં બાળકોને બાળસંભાળ ગૃહમાં રાખવામાં આવ્યાં છે. જો વહીવટીતંત્રને લાગે છે કે પરિવારના સભ્યોની દેખરેખ હેઠળ બાળકનો ઉછેર યોગ્ય રીતે થઈ રહ્યો નથી, તો આવા બાળકોને બાળસંભાળ ગૃહમાં રાખવામાં આવે છે. જેના વિરોધમાં લોકો રસ્તા પર ઊતરી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

આંતરરાષ્ટ્રીય  સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 19, 2024 06:02 PM