IPL 2025 પહેલા મુંબઈ ઈન્ડિયન્સની ટીમે એક મોટો નિર્ણય લીધો છે. ફ્રેન્ચાઇઝીએ તેના મુખ્ય કોચને બદલી નાખ્યો છે.
માર્ક બાઉચરની જગ્યાએ મહેલા જયવર્દનેને ફરી એકવાર મુખ્ય કોચની જવાબદારી સોંપવામાં આવી છે. જયવર્દને અગાઉ 2017 થી 2022 સુધી મુંબઈ ઈન્ડિયન્સના મુખ્ય કોચ હતા.
ગયા વર્ષે મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માની જગ્યાએ હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવવાનો નિર્ણય કર્યો હતો. માર્ક બાઉચરના નેતૃત્વમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
આવી સ્થિતિમાં માર્ક બાઉચરને ટીમમાંથી હટાવ્યા બાદ પંડ્યાની કેપ્ટન્સી પણ જોખમમાં હોવાનું માનવામાં આવે છે. તેની કેપ્ટનશીપ હેઠળની ટીમનું પ્રદર્શન ખૂબ જ ખરાબ રહ્યું હતું અને ટીમનો આ નિર્ણય પણ વિવાદાસ્પદ રહ્યો હતો.
માર્ક બાઉચરને વર્ષ 2023માં જ મુંબઈ ઈન્ડિયન્સનો મુખ્ય કોચ બનાવવામાં આવ્યો હતો. પરંતુ તેના નેતૃત્વમાં ટીમ માટે બંને સિઝન ખૂબ જ ખરાબ રહી, જેના કારણે મુંબઈની ટીમે મોટો નિર્ણય લીધો છે.
મહેલા જયવર્દનેએ રોહિત શર્મા સાથે મળીને મુંબઈ ઈન્ડિયન્સને ત્રણ વખત આઈપીએલ ચેમ્પિયન બનાવ્યું હતું. આવી સ્થિતિમાં રોહિત ફરી એકવાર કેપ્ટનશિપનો દાવેદાર બની શકે છે.
સુકાની પદની રેસમાં સૂર્યકુમાર યાદવ પણ મોટું નામ છે. તે હાલમાં ભારતીય T20 ટીમનો કેપ્ટન પણ છે. તેની કપ્તાની હેઠળની ટીમનું પ્રદર્શન પણ ઘણું શાનદાર રહ્યું છે.