મ્યુચ્યુઅલ ફંડમાં રેકોર્ડ રોકાણ

13 નવેમ્બર, 2024

ભારતમાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડની લોકપ્રિયતા વધી રહી છે. ઓક્ટોબર મહિનામાં ઇક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં રૂપિયા 41,887 કરોડનું રોકાણ આવ્યું હતું. પાછલા મહિનાની સરખામણીમાં 22 ટકા વધુ છે.

ઓક્ટોબર મહિનામાં રોકાણ એક નવો રેકોર્ડ છે. જૂન 2024માં રૂપિયા 40,608 કરોડનું રોકાણ રેકોર્ડ હતું. આ રેકોર્ડ ઓક્ટોબરમાં તૂટી ગયો હતો.

છેલ્લા કેટલાક મહિનામાં શેરબજારમાં ભારે ઘટાડા છતાં મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ મૂડી વધીને રૂપિયા 67.3 લાખ કરોડ થઈ ગઈ છે. તેમાં ઇક્વિટી અને ડેટ ફંડનો સમાવેશ થાય છે.

બજારના ઘટાડા છતાં મ્યુચ્યુઅલ ફંડમાં વિક્રમી રોકાણનું કારણ શું છે આ તરફ નજર કરવામાં આવે તો નિષ્ણાંતોના મતે બજાર ઘટે ત્યારે રોકાણકારોએ ખરીદ-વેચાણની રણનીતિ અપનાવી છે.

રસપ્રદ વાત એ છે કે, મ્યુચ્યુઅલ ફંડ એયુએમમાં સતત 44 મહિનાથી આઉટફ્લો કરતાં વધુ ઇનફ્લો જોવા મળ્યો છે.

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણનો પ્રવાહ વધારવાનું મુખ્ય કારણ SIP છે. SIP એ ઘણા રોકાણકારોને નિયમિત ધોરણે નાણાંનું રોકાણ કરવાની મંજૂરી આપીને તેમનું કામ સરળ બનાવ્યું છે.

ઓક્ટોબરમાં SIPમાં માસિક રોકાણ વધીને રૂપિયા 25,323 કરોડ થયું છે. આ પ્રથમ વખત છે જ્યારે એક મહિનામાં SIP રોકાણનું સ્તર રૂપિયા 25,000 કરોડ સુધી પહોંચ્યું છે.

નોંધ: અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.