નાણાકીય કટોકટીનો સામનો કરી રહેલી બાંગ્લાદેશ પ્રીમિયર લીગ (BPL) સતત વિવાદોમાં ફસાઈ રહી છે. ખેલાડીઓ, સ્ટાફ અને બસ ડ્રાઇવરોને પણ પગાર ન મળવાનો મુદ્દો હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે.
હવે એક નવો વિવાદ સામે આવ્યો છે. આ વખતે ભારતીય મૂળની કેનેડિયન સ્પોર્ટ્સ એન્કર યેશા સાગર આ લીગ છોડી ચૂકી છે.
યેશા સાગર પર નિયમોનું ઉલ્લંઘન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો અને નોટિસ જાહેર કરવામાં આવી હતી. જે બાદ તેને લીગ છોડવાની ફરજ પડી હતી.
યેશા બીપીએલ 2025 માં ચિત્તાગોંગ કિંગ્સ ટીમ સાથે સંકળાયેલી હતી. રિપોર્ટ અનુસાર, તેમને કોન્ટ્રાક્ટનું ઉલ્લંઘન કરવા બદલ ફ્રેન્ચાઇઝના માલિક સમીર કાદર ચૌધરી તરફથી લીગલ નોટિસ મળી હતી.
સમીર ચૌધરીએ નોટિસમાં જણાવ્યું હતું કે, યેશા કરાર મુજબ પોતાની ફરજો બજાવવામાં નિષ્ફળ ગઈ હતી અને સત્તાવાર રીતે આમંત્રણ આપવામાં આવ્યું હોવા છતાં તે ડિનરમાં હાજર રહી ન હતી.
વધુમાં આ નોટિસમાં લખ્યું હતું કે, તમે સ્પોન્સર શૂટિંગ અને પ્રમોશનલ શાઉટ-આઉટ પણ પૂરા કર્યા નથી. તમારી ગેરહાજરીને કારણે ફ્રેન્ચાઇઝ (ચિટ્ટાગોંગ કિંગ્સ) ને નાણાકીય અને પ્રતિષ્ઠાનું નુકસાન થયું છે.
નોટિસનો જવાબ આપવાને બદલે, યેશા સાગરે ટુર્નામેન્ટમાંથી ખસી જવાનો નિર્ણય લીધો. આનો અર્થ એ છે કે એ સ્પષ્ટ છે કે ડિનરનો ઇનકાર કરવો યેશા માટે મોંઘો સાબિત થયો અને તેણે લીગ છોડવી પડી.