કાર ચલાવતા સમયે જ્યારે ગતિ ધીમી કરવી હોય ત્યારે ઘણા લોકો આ પ્રશ્નમાં મૂંઝાય છે કે પહેલા બ્રેક દબાવવી કે ક્લચ.
પરંતુ આ સ્થિતિ વિવિધ પરિસ્થિતિઓ પર આધાર રાખે છે. કેટલીક વખત પહેલા ક્લચ દબાવવી યોગ્ય હોય છે અને કેટલીકવાર પહેલા બ્રેક.
ખોટી રીત અપનાવવાથી એન્જિન જામ થઈ શકે છે અથવા ક્લચ પ્લેટ ઘસાઈ શકે છે. ચાલો સમજીએ કે કાર રોકતી વખતે ક્લચ અને બ્રેકનો યોગ્ય રીતે ઉપયોગ કેવી રીતે કરવો.
સૌ પ્રથમ ક્લચ શું કામ કરે છે તે જણાવી દઈએ તો, ક્લચનું મુખ્ય કાર્ય વ્હીલ્સને ગિયરબોક્સથી અલગ કરવાનું છે. જ્યારે તમે ક્લચ દબાવો છો, ત્યારે વ્હીલ્સ એન્જિનથી અલગ થઈ જાય છે. એ સમયે તમે કારને સરળતાથી રોકી શકો છો.
જો તમે ક્લચ દબાવ્યા વગર બ્રેક લગાવશો, તો કાર છટકાઈ શકે છે અથવા એન્જિન બંધ થઈ શકે છે, જેને સ્ટોલ થવું કહે છે. આવી સ્થિતિમાં ટ્રાન્સમિશન અને ક્લચને પણ નુકસાન પહોંચી શકે છે.
જો તમારી કારની ગતિ ખૂબ ઓછી છે – એટલે કે, તે ગિયરની ન્યૂનતમ ગતિથી પણ ધીમી છે – તો પહેલા ક્લચ દબાવવી જોઈએ અને પછી બ્રેક.
ખાસ કરીને ટ્રાફિકમાં, જ્યારે કાર પહેલા ગિયર પર અને ધીમી ગતિએ ચાલી રહી હોય ત્યારે આ રીત સલામત છે. ક્લચ દબાવવાથી વ્હીલ્સને એન્જિનથી અલગ કરી શકાય છે, અને ત્યારબાદ બ્રેક દબાવી કારને રોકી શકાય છે.
જો તમે હાઇ સ્પીડ ગતિએ વાહન ચલાવી રહ્યા છો, તો પહેલાં બ્રેક દબાવવી જોઈએ.
જયારે બ્રેક દબાવવાથી કારની સ્પીડ ધીમી થઈ જાય અને ગતિ ગિયરની ન્યૂનતમ ગતિથી નીચે જાય, ત્યારે પછી ક્લચ દબાવવી જરૂરી છે. આ રીતે એન્જિન પર ભાર ન પડે અને કાર સરળતાથી રોકાઈ શકે.
જ્યારે તાત્કાલિક કાર રોકવાની જરૂર પડે – જેમ કે કોઈ સામે આવી જાય – ત્યારે ક્લચ અને બ્રેક બંને સાથે દબાવવાની સલાહ આપવામાં આવે છે. આ રીતે તમે ઝડપથી અને સલામત રીતે કારને રોકી શકો છો.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારીને આધારે છે. ગાડી કે કાર ચલાવતી વખતે રસ્તા પરની યોગ્ય પરિસ્થિતિ જોયા બાદ નિર્ણય લેવો જરૂરી છે.