
આમ તો હવે સમય ગરમ સ્વેટર, શાલ કે જેકેટ કાઢવાનો છે પણ એને બદલે હજી રેઈનકોટ કે છત્રી કાઢવી પડે એવા સમાચાર છે. 48 કલાક પછી હજી ગુજરાતમાં માવઠાની આગાહી છે અને એ પણ એક બે જગ્યાએ નહીં રાજ્યના 28 જીલ્લાઓમાં વરસાદ પડવાનો છે. તો આ કમોસમી વરસાદ ક્યાં કેટલો પડી શકે છે એ જાણી લઈએ.
ગુજરાતમાં 29 ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. આગામી 48 કલાક બાદ વરસાદની તીવ્રતા વધી શકે તેમ છે. 4 દિવસ ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઇ છે.
તો વરસાદની શક્યતા વચ્ચે આગામી 3 થી 4 દિવસમાં રાજ્યના તાપમાનમાં પણ ઘટાડો જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. સાથે જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
બીજી તરફ હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દાવો કર્યો છે કે અરબ સાગરમાં સર્જાયેલ સાયક્લોનિક સર્ક્યુલેશન વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરશે અને તેની સીધી અસર ગુજરાતમાં થશે. દક્ષિણ ગુજરાતથી રાજ્યમાં 25 ઓક્ટોબરે માવઠાની શરૂઆત થશે અને ક્રમશઃ સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સહિત અમદાવાદ, ગાંધીનગરમાં મુશ્કેલી વરસાવશે.
તો 25 ઓક્ટોબરે દક્ષિણ ગુજરાત, 26 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને 27 ઓક્ટોબરે અમદાવાદ, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં માવઠાના એંધાણ છે. તો ન માત્ર માવઠું પરંતુ માવઠા સાથે ભારે પવન ફૂંકાવવાની પણ પરેશ ગોસ્વામિએ આગાહી કરી છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પણ સામાન્ય વરસાદની સંભાવના વ્યકત કરવામાં આવી છે. બંગાળના ઉપસાગર અને અરબી સમુદ્રમાં હવામાનની જે સિસ્ટમ સક્રિય થઈ છે, તે 4 નવેમ્બર સુધી સક્રિય રહે તેવી પણ શકયતા છે. રાજયના વાતાવરણમાં હાલ ભેજનું પ્રમાણ વધ્યું છે. હવામાનમાં નોંધાઈ રહેલા ફેરફારના કારણે દક્ષિણ ગુજરાતના ડાંગ, વલસાડ, નવસારી અને નજીકના દરિયાકાંઠાના વિસ્તારોમાં સામાન્યથી હળવો વરસાદ નોંધાઈ શકે તેમ છે.