MONEY9: DIIsના સતત રોકાણ છતાં શેરબજારમાં તેજી કેમ નથી?

વિદેશી રોકાણકારો છેલ્લાં 8 મહિનાથી શેરબજારમાંથી રોકાણ પાછું ખેંચી રહ્યાં છે જ્યારે સ્થાનિક રોકાણકારો સતત ખરીદી કરી રહ્યાં છે. આમ છતાં, શેરબજારમાં તેજીનો કરંટ જામતો નથી.

Divyesh Nagar
| Edited By: | Updated on: Jun 17, 2022 | 5:21 PM

MONEY9: છેલ્લાં કેટલાક મહિનાથી શેરબજાર (STOCK MARKET)માં ઘટાડાનો ટ્રેન્ડ છે. LICએ રોકાણકારોને રેકોર્ડ ખોટ કરાવી છે. ડૉલર (DOLLAR)ની સામે રૂપિયો ઐતિહાસિક તળિયે પહોંચી ગયો છે. જોકે, આવી ડામાડોળ સ્થિતિમાં પણ, બજારના બે બળિયા તેમની ખરીદ-વેચાણની દિનચર્યા યથાવત્ ધોરણે કરી રહ્યાં છે. 

એક છે વિદેશી સંસ્થાકીય રોકાણકાર. તેઓ જંગી માત્રામાં વેચવાલી કરી રહ્યાં છે. બીજી બાજુ, સ્થાનિક મ્યુચ્યુઅલ ફંડ્સ ધૂમ ખરીદી કરી રહ્યાં છે. 13 જૂન, સોમવારે બજારમાં 1,400 પૉઈન્ટ્સનું ગાબડું પડ્યું ત્યારે વિદેશી રોકાણકારોએ 4,164 કરોડ રૂપિયાની ચોખ્ખી વેચવાલી કરી જ્યારે સ્થાનિક સંસ્થાગત રોકાણકારોએ 2,814 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા. 

હવે, તમને થશે કે બજાર તો સતત ઘટી રહ્યું છે અને વિદેશી રોકાણકારો છેલ્લાં 8 મહિનાથી માલ વેચી રહ્યાં છે ત્યારે મ્યુચ્યુઅલ ફંડ્સ શા માટે ખરીદી કરી રહ્યાં છે? તેમની ખરીદીનું કારણ છે દેશનાં નાના રોકાણકારોનો અતૂટ વિશ્વાસ. કારણ કે, નાના રોકાણકારોને વિશ્વાસ છે કે, બજારમાં ફરી તેજી આવશે અને લાંબા ગાળે તગડું વળતર મળશે. જોકે, વર્તમાન માહોલમાં નવા ઈન્વેસ્ટર્સ શેરબજારથી દૂર જઈ રહ્યાં છે અને તેનો પુરાવો એમ્ફીએ જાહેર કરેલા તાજા આંકડામાં મળે છે. 

એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયાનો તાજો રિપોર્ટ નાના રોકાણકારોનું માનસ સ્પષ્ટ કરે છે. તેના આંકડા અનુસાર, મે મહિનામાં બજારમાં SIP દ્વારા કુલ 12,286.42 કરોડ રૂપિયા ઠલવાયા, જે એપ્રિલ કરતાં 423.33 કરોડ રૂપિયા વધુ છે. એપ્રિલમાં SIP દ્વારા 11,863.09 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું. રોકાણકારોના આ પૈસાના જોરે જ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓને ઘટતા બજારમાં પણ ખરીદી કરવાનું બળ મળી રહ્યું છે. 

ડેટ મ્યુચ્યુઅલ ફંડનું ચિત્ર જોઈએ તો, ત્યાં ઈક્વિટી ફંડ્સની જેમ જંગી રોકાણ નથી ઠલવાતું. ડેટ ફંડ્સમાંથી તો રોકાણકારો પૈસા પાછા ખેંચી રહ્યાં છે. મે મહિનામાં ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડ્સમાં 18,529.43 કરોડ રૂપિયાનું ચોખ્ખું રોકાણ થયું જ્યારે ડેટ આધારિત મ્યુચ્યુઅલ ફંડ્સમાંથી કુલ 32,722 કરોડ રૂપિયાનું રોકાણ પાછું ખેંચાયું. ડેટ ફંડ્સમાંથી રોકાણ પાછું ખેચાવાનું કારણ છે વધતી મોંઘવારી અને તેના લીધે વ્યાજના દરમાં વધારો થવાની બીક. આ બીકને કારણે જ રોકાણકારો ડેટ મ્યુચ્યુઅલ ફંડ્સથી છેડો ફાડી રહ્યાં છે.  

હવે, જાણીએ આંકડા પાછળ છુપાયેલી સૌથી મહત્ત્વની વાત, જે સંભવિત પરિવર્તનના સંકેત આપે છે. આ સંકેત છે નવા રોકાણકારોની સંખ્યામાં ઘટાડાનો. 

SIP દ્વારા જે રોકાણકારો શેરબજારમાં પ્રવેશતા હતા તેમાં ઘટાડો થયો છે. મે મહિનામાં કુલ 19.7 લાખ નવા ખાતા ખુલ્યા, જે છેલ્લાં 12 મહિનાનું સૌથી નીચું સ્તર દર્શાવે છે. એટલે કે, બજારમાં આવેલા મોટા કડાકાને કારણે નવા રોકાણકારો ડરી ગયા છે. 

વધતી મોંઘવારી, યુદ્ધને કારણે કાચા તેલના ભાવમાં થયેલો ભડકો, અમેરિકામાં વધી રહેલાં વ્યાજદર વગેરે કારણોસર ભારતનાં શેરબજારમાં મોટા ગાબડાં પડ્યાં છે, પરંતુ બજારના નિષ્ણાતો માને છે કે, આવી સમસ્યાઓ તો આખીયે દુનિયાને કનડી રહી છે, પરંતુ ભારતીય અર્થવ્યવસ્થાના મૂળિયાં મજબૂત છે અને અન્ય તમામ ઊભરતાં અર્થતંત્રોની સરખામણીએ આપણે સારી સ્થિતિમાં છીએ. ટૂંકાથી મધ્યમ ગાળામાં જેમ-જેમ અનિશ્ચિતતાના વાદળો દૂર થશે તેમ-તેમ રોકાણકારોમાં વિશ્વાસ પાછો ફરશે અને ફરી તેઓ બજારમાં મન મૂકીને પૈસા રોકશે. 

જોકે, છેલ્લાં 8 મહિનાની સ્થિતિ દર્શાવે છે કે, શેરબજારમાં તેજીનો કરંટ ત્યારે જ આવશે જ્યારે વિદેશી રોકાણકારોમાં ખરીદીનો મૂડ જામશે. માત્ર સ્થાનિક રોકાણકારોના જોરે બજારમાં તેજી શક્ય નથી. સ્થાનિક રોકાણને કારણે બજારને થોડો-ઘણો ટેકો મળે છે પરંતુ ભરપૂર તેજી માટે તો વિદેશી રોકાણ જ જરૂરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">