MONEY9: મ્યુચ્યુઅલ ફંડમાં ગ્રોથ પ્લાન પસંદ કરવો કે ડિવિડન્ડ પ્લાન?

મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવું ઘણું સરળ છે, પરંતુ યોગ્ય પ્લાનની પસંદગી કરવી અઘરી છે. રોકાણકારે મુખ્યત્ત્વે ગ્રોથ અને ડિવિડન્ડ પ્લાનમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડે છે. કયા રોકાણકારે કયો વિકલ્પ પસંદ કરવો તે સમજવા માટે જુઓ આ વીડિયો

Divyesh Nagar
| Edited By: | Updated on: Jul 04, 2022 | 9:56 PM

MONEY9: મ્યુચ્યુઅલ ફંડ (MUTUAL FUND)માં રોકાણ (INVESTMENT) કરવું ઘણું સરળ છે, પરંતુ યોગ્ય પ્લાનની પસંદગી કરવી અઘરી છે. રોકાણકારે મુખ્યત્ત્વે ગ્રોથ અને ડિવિડન્ડ પ્લાનમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવો પડે છે. કયા રોકાણકારે કયો વિકલ્પ પસંદ કરવો તે સમજવા માટે આપણે જામનગરની શિવાંગીનું ઉદાહરણ લઇએ.

જામનગરની શિવાંગી સોનીએ પહેલો પગાર હાથમાં આવતાની સાથે જ મ્યુચ્યુઅલ ફંડની ટેક્સ-સેવિંગ સ્કીમમાં પૈસા રોકવાનું નક્કી કરી લીધું હતું. આમ તો, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ એકદમ સરળ છે. તમે ઑનલાઈન અથવા તો કોઈ એજન્ટ દ્વારા રોકાણ કરી શકો છો. જોકે, શિવાંગીએ થોડું રિસર્ચ કર્યું તો તેને જાણવા મળ્યું કે, તેણે બે વિકલ્પમાંથી એકની પસંદગી કરવાની છે, અને આ બંને વિકલ્પ અંગે તે કશું જાણતી ન હોવાથી તે મૂંઝાઈ ગઈ. જેટલી પણ સ્કીમ હતી તેમાં ડિવિડન્ડ અને ગ્રોથ એમ બે વિકલ્પમાંથી કોઈ એકની પસંદગી કરવાની હતી. આ બંને વિકલ્પ વિશે સમજવા માટે તેણે ફાયનાન્સિયલ એડવાઈઝર આકાશ સોલંકીની મદદ લીધી.

આકાશે શિવાંગીને સમજાવ્યું કે, મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને જો તારે તારી કમાણીને ફરી પાછી એમાં જ રોકવી હોય તો તેવા વિકલ્પને ગ્રોથ ઓપ્શન કહે છે અને જો તારે નિયમિત સમયાંતરે કમાણી પરત મેળવવી હોય તો તેના માટે ડિવિડન્ડ ઓપ્શન પસંદ કરવો પડે છે.

ડિવિડન્ડ અને ગ્રોથ વચ્ચે શું ફરક છે

ગ્રોથ ઑપ્શન પસંદ કરો તો, તમને કોઈ ફંડમાંથી જે નફો થાય તેને ફરી એ જ ફંડમાં રોકવામાં આવે છે, જેથી તમને કમ્પાઉન્ડિંગનો એટલે કે ચક્રવૃદ્ધિનો ફાયદો મળે છે. જો લાંબા ગાળામાં સારું એવું મૂડીભંડોળ ઊભું કરવું હોય તો આ વિકલ્પ ઉપયોગી છે.

તેનાથી વિપરિત, ડિવિડન્ડ ઑપ્શનમાં જ્યારે તમારું ફંડ નફો કરે તો તે નફો ડિવિડન્ડ સ્વરૂપે તેના રોકાણકારોમાં વહેંચે છે. જો કોઈ રોકાણકારે નિયમિતપણે આવક મેળવવી હોય તો તેના માટે આ વિકલ્પ યોગ્ય છે.

કોઈ પણ રોકાણકાર જ્યારે મ્યુચ્યુઅલ ફંડની પસંદગી કરે ત્યારે તેને સૌથી મોટો એક જ સવાલ સતાવે છે કે, તે આ બંનેમાંથી કયો વિકલ્પ પસંદ કરે. જો તમારે લૉન્ગ-ટર્મના રોકાણ દ્વારા જંગી ફંડ ભેગું કરવું હોય તો તમારે ગ્રોથ ઓપ્શન પસંદ કરવો જોઈએ. પરંતુ જો તમે એક ચોક્કસ સમય પછી તમારા ખાતામાં પૈસા જમા થાય તેવું ઈચ્છતા હોવ તો, તમારે ડિવિડન્ડ પ્લાન પસંદ કરવા જોઈએ.

ઈક્વિટી ફંડ્સમાં ડિવિડન્ડ મળશે કે નહીં તે નક્કી નથી હોતું કારણ કે, તેનો આધાર શેરબજારના ચઢાવ-ઉતાર અને તમારા ફંડે જે શેરમાં રોકાણ કર્યું હોય તેના પ્રદર્શન પર રહેલો છે. આથી, ડિવિડન્ડ લેવા માંગતા હોય તેવા ઈન્વેસ્ટર્સ મોટા ભાગે ડેટ ફંડ પસંદ કરે છે, કારણ કે, તેમાં ડિવિડન્ડની ચૂકવણી નિયમિતપણે થતી રહે છે.

જો આ વાત સમજાઈ ગઈ હોય તો, શિવાંગીએ નક્કી કરી લેવું જોઈએ કે તે કેવા પ્રકારનું વળતર મેળવવા માંગે છે અને તેના આધારે કોઈ એક વિકલ્પની પસંદગી કરવી જોઈએ. તેણે એ વાત પણ સમજવી જોઈએ કે, પોતાના લોંગ-ટર્મ આર્થિક લક્ષ્ય માટે કેવા પ્રકારનું ફંડ યોગ્ય રહેશે.

રોકાણ માટે શું સ્ટ્રેટેજી રાખવી?

કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો, તેની પહેલાં તમારે લક્ષ્ય નક્કી કરવું જોઈએ અને આવી રીતે રોકાણ કરવાથી જ અસરકારક પરિણામ પ્રાપ્ત થશે.

એક વખત ટાર્ગેટ નક્કી કરી લો, એટલે નેક્સ્ટ સ્ટેપ આ ટાર્ગેટને કેવી રીતે હાંસલ કરવો તેના માટે SIP કે મ્યુચ્યુઅલ ફંડ ઈન્વેસ્ટમેન્ટ પસંદ કરો.

આમ, કોઈ મ્યુચ્યુઅલ ફંડને તમારો ટાર્ગેટ હાંસલ કરવા માટે પસંદ કરશો એટલે તમારે આ ટાર્ગેટ શોર્ટ ટર્મનો છે કે પછી મીડિયમ કે લોન્ગ ટર્મનો, તે નક્કી કરવું પડશે.

મોટા ભાગે, મધ્યમ ગાળાના લક્ષ્ય હાંસલ કરવા માટે ડેટ ફંડની જ્યારે લાંબા ગાળાના લક્ષ્યો પાર પાડવા માટે ઈક્વિટી ફંડ્સ પર પસંદગીનો કળશ ઢોળવામાં આવે છે.

જ્યારે તમે લક્ષ્ય હાંસલ કરવા માટે એસેટ નક્કી કરો તો તેમાં પ્રાઈમરી ટાર્ગેટ વારંવાર રોકાણ કરીને એક ફંડ ભેગું કરવાનો હોવો જોઈએ અને તેના માટે ગ્રોથ પ્લાનનો ઉપયોગ કરવો પડશે.

જો ડિવિડન્ડ પ્લાન પસંદ કરશો તો NAV ઘટી જશે અને લાંબા ગાળે તમારી મૂડીમાં વૃદ્ધિ થવાની શક્યતા ઘટી જશે.

તમારે ઈન્વેસ્ટમેન્ટ જર્ની દરમિયાન ટેક્સને પણ ધ્યાનમાં લેવો જોઈએ.

તમારે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ સાથે જોડાયેલા ટેક્સના નિયમ સમજી લેવા જોઈએ અને કયા વિકલ્પમાં રોકાણથી કેટલો ટેક્સ બચે છે તે જાણી લેવું જોઈએ.

ડિવિડન્ડ અને ગ્રોથ ઑપ્શનમાં ટેક્સના નિયમ પણ અલગ-અલગ છે.

ડિવિડન્ડ વિકલ્પ પસંદ કર્યો હશે તો, રોકાણકારે પોતાના ટેક્સ સ્લેબ પ્રમાણે ટેક્સ ચૂકવવો પડશે.

જો ગ્રોથ વિકલ્પ પસંદ કર્યો હશે તો, શોર્ટ-ટર્મ અને લોન્ગ-ટર્મ કેપિટલ ગેન્સ ટેક્સ ભરવો પડશે અને તેનો આધાર તમારા ઈન્વેસ્ટમેન્ટના સમયગાળા પર રહેલો છે.

નિષ્ણાતનો મત

પ્રૉફિશિયન્ટ ઈક્વિટીઝ પ્રા.લિ.ના સ્થાપક અને ડિરેક્ટર મનોજ દાલમિયા કહે છે કે, જો ગ્રોથ અને ડિવિડન્ડ ઑપ્શનની પસંદગી કરવામાં મૂંઝવણ હોય તો, તમારે અમુક પરિબળોને આધાર બનાવીને નિર્ણય લેવો જોઈએ. તમારે આ બંને વિકલ્પની ખાસિયત અને ખામી બંને સમજી લેવી જોઈએ. જેમકે, ડિવિડન્ડ ઑપ્શનમાં NAV ઘટી જાય છે એટલે, અંતે તમારા હાથમાં ગ્રોથ ઑપ્શનની સરખામણીએ ઓછી રકમ આવશે. આમાં તમારે સ્લેબ અનુસાર ટેક્સ ભરવો પડે છે. બીજી બાજુ, ગ્રોથ ઑપ્શનમાં રિડમ્પ્શન વખતે તમારે શોર્ટ ટર્મ કેપિટલ ગેન્સ અને લોંગ ટર્મ કેપિટલ ગેન્સ ભરવો પડે છે. ડિવિડન્ડ પ્લાનની સરખામણીએ ગ્રોથ ઓપ્શનમાં NAV અને કુલ વળતર વધારે હોય છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">