MONEY9: વડોદરાવાસી જયેશને એક વાતની ખુશી હતી કે તે ભારતમાં બેઠા-બેઠા વિદેશના શેરબજારો (STOCK MARKET)માં રોકાણ કરીને કમાણી કરી શકતો હતો. તે એવા મ્યુચ્યુઅલ ફંડ્સ (MUTUAL FUNDS)માં પૈસા રોકે (INVESTMENT) છે, જે વિદેશમાં રોકાણ કરે છે. પરંતુ તાજેતરના એક સમાચારે જયેશની આ ખુશી છીનવી લીધી છે. વાત જાણે એમ છે કે તાજેતરમાં જ મૂડીબજારના નિયમનકાર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સના વિદેશી રોકાણ પર પ્રતિબંધ લગાવી દીધો છે. ઘણા મ્યુચ્યુઅલ ફંડ પાસે એવી સ્કીમ છે, જેમાં લાગેલા રોકાણકારોના પૈસાથી વિદેશના શેરબજારોમાં રોકાણ કરવામાં આવે છે. તાજેતરમાં સેબીએ તમામ એસેટ મેનેજમેન્ટ કંપનીઓને સૂચના આપી હતી કે આવા ફંડ્સ હવેથી વિદેશી શેર ન ખરીદે. સેબીએ એમ પણ જણાવ્યું હતું કે નવા રોકાણકારો પાસેથી રોકાણ લેવાનું પણ બંધ કરવામાં આવે.
સેબીએ શા માટે આવો નિર્ણય લીધો હશે? તે સવાલ જયેશ જેવા ઘણા રોકાણકારોને સતાવી રહ્યો છે તો તેનું કારણ છે, વિદેશમાં રોકાણની 7 અબજ ડૉલરની મર્યાદા. આ મર્યાદા રિઝર્વ બેન્ક અને સેબીએ મ્યુચ્યુઅલ ફંડ માટે નક્કી કરી છે. આ મર્યાદા જ્યારે પૂરી થવાની નજીક આવે ત્યારે સેબી આવો અંકુશ લાગુ કરે છે. સેબીએ હજુ સુધી આંકડા તો જાહેર નથી કર્યાં, પરંતુ માનવામાં આવે છે કે આ મર્યાદા હવે નજીક આવી ગઈ છે. એટલે જ, સેબીએ પ્રતિબંધનો આદેશ આપ્યો છે.
ગયા વર્ષની ત્રીજી જૂને એક સર્ક્યુલર બહાર પાડીને સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સ અને સમગ્ર ઉદ્યોગ દ્વારા વિદેશમાં રોકાણના નિયમોમાં ફેરફાર કર્યા હતા. હવે, તમને આ નિયમની પણ જાણકારી આપી દઈએ.
કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ વિદેશમાં મહત્તમ 1 અબજ ડૉલરનું રોકાણ કરી શકે છે, જ્યારે સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં મહત્તમ 7 અબજ ડૉલરનું રોકાણ કરી શકે છે. આ મર્યાદા કોઈ એક નાણાકીય વર્ષ માટે નથી, પરંતુ કોઈ પણ સમયગાળા માટે છે. એટલે કે, કોઈ પણ સમયે સમગ્ર મ્યુચ્યુઅલ ફંડ્સનું કુલ વિદેશી રોકાણ 7 અબજ ડૉલરથી વધારે ન હોવું જોઈએ.
કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડ કોઈ ઓવરસીઝ એક્સ્ચેન્જ ટ્રેડેડ ફંડ (OETF)માં મહત્તમ 30 કરોડ ડૉલરનું રોકાણ કરી શકે છે, જ્યારે સમગ્ર ઉદ્યોગ માટે મહત્તમ મર્યાદા 1 અબજ ડૉલરની છે.
સેબીના આદેશથી જયેશના વર્તમાન રોકાણ પર કોઈ અસર નહીં પડે. તેમણે જેટલા પૈસા રોક્યા છે, તેને ઉપાડવાની પણ જરૂર નથી અને તેમની SIP પણ યથાવત્ રીતે ચાલુ રહેશે. પરંતુ, હવે તે ઉચ્ચક રોકાણ નહીં કરી શકે. સેબીએ આવી સ્કીમની STP અને SIP પર પ્રતિબંધ નથી મૂક્યો.
એસોસિએશન ઓફ રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર્સના ચેરમેન લોવઈ નવલખી કહે છે કે, નવા રોકાણકારો માટે SIP દ્વારા રોકાણનું ચિત્ર સ્પષ્ટ નથી. કદાચ એવું પણ બની શકે કે ભવિષ્યમાં ઈન્ટરનેશનલ ઈન્વેસ્ટમેન્ટની મર્યાદા વધારવામાં આવે, અને ત્યારપછી નવા રોકાણકારો માટે રોકાણનો માર્ગ ખુલે.
મની9ની સલાહ
મ્યુચ્યુઅલ ફંડ ઈન્ડસ્ટ્રી માટે જ્યાં સુધી વિદેશમાં રોકાણની મર્યાદા વધારવામાં ન આવે ત્યાં સુધી જયેશ જેવા રોકાણકાર અન્ય એક વિકલ્પનો ઉપયોગ કરી શકે છે. તેઓ સરકારની લિબરલાઈઝ્ડ રેમિટેન્ડ સ્કીમ હેઠળ વિદેશમાં રોકાણ કરી શકે છે, આ સ્કીમ હેઠળ દર વર્ષે 2.5 લાખ ડૉલર એટલે કે, 1.88 કરોડ રૂપિયાનું રોકાણ વિદેશમાં કરવાની છૂટ છે. જો તમારી પાસે ડિમેટ એકાઉન્ટ હોય તો તમે નાસ્ડેક 100 ETF અને S&P 500 જેવા ETF દ્વારા વિદેશી શેર ખરીદી શકો છો.