Surat : માજી સરપંચની ખોટી સહી કરી 268 મિલ્કતની નામ ફેરબદલી કૌભાંડનો 7 વર્ષ બાદ પર્દાફાશ

Surat : ઓલપાડ પંચાયતના તલાટીઓ અને સરપંચ દ્વારા માજી સરપંચની ખોટી સહી અને સિક્કા કરીને 268 મિલ્કતના નામફેર કરવાનું કૌભાંડ આચર્યું છે. આ કૌભાંડનો 7 વર્ષ પછી પર્દાફાશ થયો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 26, 2021 | 9:16 AM

Surat : રાજ્યમાં પંચાયત વિભાગના તલાટીઓ અને સરપંચોનું અત્યાર સુધીનું સૌથી મોટું કૌભાંડ સુરતના ઓલપાડમાં (Olpad) આચરવામાં આવ્યું છે. માજી સરપંચની ખોટી સહી અને સિક્કા સાથે બાંધકામ મંજુરીની પરવાનગી વિના જેટલી 268 જુદી-જુદી મિલકત ભાગીદારી પેઢી અને વ્યક્તિગત નામે નામફેર કરવામાં આવતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

ઓલપાડ પંચાયતના કારભારીઓ અને તલાટીઓ દ્વારા આચરવામાં આવતા કૌભાંડનો આખરે 7 વર્ષ પછી પર્દાફાશ થયો છે. કૌભાંડીઓને સ્થાનિક તંત્ર દ્વારા છાવરવામાં આવતા ફરિયાદીએ ન્યાય મેળવવા ગુજરાત હાઇકોર્ટ પહોંચતા આખરે ફરિયાદીને ન્યાય મળ્યો છે.

સુરતના ઓલપાડ તાલુકાના સાયણ ગામે આવેલ બ્લોક નંબર 78, 79, 81 વાળી જમીનમાં દિલીપભાઈ ધરમશીભાઇ કણકોટીયાએ પોતાના હિસ્સાની જમીન માર્ચ 2013 માં જુદા જુદા 3 દસ્તાવેજથી વેચાણ કરતા જમીનમાંથી દિલીપભાઈ ધરમશીભાઇ કણકોટીયાનું નામ રેવન્યુ રેકોર્ડ ઉપરથી કમી થયું હતું. માર્ચ-2013 માં વેચાણ કર્યા બાદ આ જમીન માટે તેનો કોઈ માલિકી હક્ક ના હોય તેવા કોઈ પુરાવાઓ ન હોવા છતાં માર્ચ-2014 થી 2017 સુધીમાં અનેક કૌભાંડ કર્યા હતા.

ફરિયાદીના નામે સરપંચ અને તલાટીઓએ જુદી-જુદી સામાન્ય સભામાં બનાવટી સરકારી રેકોર્ડને આધારે જુદા જુદા ખોટા ઠરાવો કરી બાંધકામ મંજૂરી જેવા અનેક ગંભીર ગુના આચાર્યા છે. ફરિયાદીના 268 (દુકાન અને ફ્લેટ), 28 રો-હાઉસ જેટલી મિલકતની આકારણી, 10 જેટલી મિલકત ભાગીદારી પેઢી અને વ્યક્તિગત નામે નામફેર કરવા જેવા ગંભીર ગુના કર્યા છે.

માજી સરપંચની ખોટી સહી અને સિક્કા સાથે બાંધકામ મંજૂરી પત્રક, નકશા અને આકારણી અરજીપત્રક જેવા સરકારી રેકર્ડના ખોટા કાગળો બનાવી તેનો સરકારી કામે ખરા તરીકે ઉપયોગ કરી મોટું કૌભાંડ સામે આવ્યું છે. સાયણ ગ્રામ પંચાયતના તત્કાલીન સરપંચ અને હાલના ડેપ્યુટી સરપંચ અશ્વિન ઠક્કર અને સરપંચ અનિલ પટેલ સહિત 3 તલાટી કમ મંત્રી મળી કુલ 5 વિરુદ્ધ ગુનો નોંધાયો છે.

મહત્વનું છે કે, ગુનાનો મુખ્ય સૂત્રધાર આરોપી તલાટી કમ મંત્રી વિજય પટેલ સુરત જિલ્લા તલાટી મંડળના મંત્રી પદે કાર્યરત છે. જયારે અન્ય ત્રણેય તલાટી પણ વિવાદિત છે. ફરિયાદીનું જો માનીએ તો સમગ્ર કૌભાંડની પોલીસ તલસ્પર્શી તપાસ કરે તો હજુ મોટા કૌભાંડમાં ચોંકાવનારી માહિતી બહાર આવી શકે એમ છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">