રાજ્યમાં ચોમાસું નબળું થતાં જળાશયોની સ્થિતિ ચિંતાજનક બની. રાજ્યના 207 ડેમોમાંથી માત્ર 20 ડેમ જ છલોછલ ભરેલા. ગત વર્ષે આ સમયગાળા દરમિયાન 86 જળાશયો સંપૂર્ણ ભરાયેલા હતા. હાલ 207 જળાશયમાં સરેરાશ 74 પાણીનો જથ્થો. સૌથી વધુ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સ્થિતિ કફોડી. 76 જળાશયોમાં જળસ્તર 25 ટકાથી પણ નીચું. રાજ્યમાં દક્ષિણ ગુજરાતને બાદ કરતાં મોટા ભાગના જિલ્લાઓમાં સિઝનનો સરેરાશ કરતાં ઓછો વરસાદ વરસ્યો છે. અને તેની અસર હવે રાજ્યના જળાશયો ઉપર વર્તાઈ રહી છે. ગત વર્ષે 6 સપ્ટેમ્બરે રાજ્યના 86 જળાશયો છલોછલ હતા. તેની સામે આ વખતે સંખ્યા માત્ર 20 જ છે. તો ગયા વર્ષે રાજ્યના 207 જળાશયોમાં સરેરાશ જળસ્તર 86.64 ટકા હતું. તેની સામે આ વખતે માત્ર 74.89 ટકા જ છે. જો કે ચિંતાજનક સ્થિતિ વચ્ચે હાલ રાહતની વાત એ છે કે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલ જળસ્તર વધીને 90.31 ટકા પહોંચ્યું છે. રાજ્યમાં વિવિધ ઝોનમાં જળાશયોની શું સ્થિતિ છે તેના પર નજર કરીએ.