વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતમાં દેશના હિતને ધ્યાનમાં રાખીને લોકોને અપીલ કરી છે. જેમાંથી એક અપીલ આગામી એક વર્ષ સુધી સોનું ન ખરીદવા માટે પણ કરાઈ છે. ત્યારે વડોદરાના જ્વેલર્સના શો રૂમમાં પણ આ અપીલની અસર દેખાઈ રહી છે.. શો રૂમમાં આવતા ગ્રાહકો આ અપીલને સમર્થન કરી રહ્યા છે. ત્યારે અમુક ગ્રાહકો ઘરમાં પ્રસંગ હોવાના કારણે મોંઘા ભાવમાં પણ સોનું ખરીદી રહ્યા છે. ગ્રાહકોનું કહેવું છે કે તેઓ વડાપ્રધાનની અપીલ બાદ પોતાની ઈચ્છા કરતાં ઓછું સોનું ખરીદી રહ્યા છે. સાથે જ વડાપ્રધાને દેશના હિતમાં વિચારીને સોનું ન ખરીદવાની અપીલ કરી છે તેવું નિવેદન આપ્યું છે. મહત્વનું છે કે ભારત દેશમાં વિવિધ પ્રસંગોમાં સોના-ચાંદીના દાગીનાનું ખૂબ જ મહત્વ રહેલું છે. ત્યારે વૈશ્વિક પરિસ્થિતિ, સોના-ચાંદીના વધતાં ભાવ અને વડાપ્રધાનની દેશના હિતમાં અપીલ બાદ ગ્રાહકો અવઢવમાં જોવા મળી રહ્યા હોય તેવું જ્વેલર્સનું કહેવું છે. સોનાની ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો થતાં જ દેશમાં સોનાના ભાવમાં 10 હજારનો વધારો નોંધાયો છે. ત્યારે સોના-ચાંદીના વેપારીઓને પણ મોટો માર સહન કરવો પડી શકે તેવી ભીતિ છે.