પ્રફુલ પાનશેરીયાની નેતૃત્વ યાત્રા: અબ્રાહમ લિંકનનો પ્રભાવ Tv9 ગુજરાતીના મિઝાજ પોડકાસ્ટમાં પ્રફુલ પાનશેરીયાએ પોતાના રાજકીય અને નેતૃત્વના સફરની શરૂઆત અંગે વાત કરી. તેમણે જણાવ્યું કે રાજકારણમાં પ્રવેશ બાય લક કે બાય ચોઇસ ન હતો, પરંતુ બાય ચાન્સ હતો. પ્રફુલ પાનશેરીયા 1995માં સુરત આવ્યા, જ્યાં તેમણે સ્ટડી પૂરી કર્યા બાદ એક ડાયમંડ કંપનીમાં નાનકડી નોકરી શરૂ કરી. શરૂઆતના દિવસોમાં તેઓ બેચલર્સની જેમ એક પતરાવાળા રૂમના મકાનમાં ભાડે રહેતા હતા. સેવાભાવના પ્રફુલ પાનશેરીયામાં નાનપણથી જ હતી. ઓફિસ વર્ક પછી તેઓ યુવા મોરચા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સાથે મળીને વિવિધ કાર્યક્રમો કરતા હતા. 2000 સુધી સામાજિક ક્ષેત્રે તેઓ સક્રિય રહ્યા. તેમના જીવનનો એક મહત્વનો વળાંક નવમા ધોરણમાં આવ્યો. ભાવનગરની ઘરશાળામાં ભણતા ત્યારે તેમની લાઇબ્રેરીમાં અબ્રાહમ લિંકનનું એક નાનકડું પુસ્તક આવ્યું. તેમણે તે પુસ્તક વાંચવાનું શરૂ કર્યું અને રિસેસ કે રજા પડ્યા પછી પણ તે વાંચનમાં લીન રહ્યા. આ પુસ્તક વાંચીને તેમને એટલો રસ પડ્યો કે દાદર ઉતરતી વખતે જ તેમણે નક્કી કરી લીધું કે તેઓ ડોક્ટર કે એન્જિનિયર ભલે ન બને, પરંતુ તેમને લીડર જ બનવું છે. અબ્રાહમ લિંકનના જીવનચરિત્રમાંથી મળેલી આ પ્રેરણાએ તેમના નેતૃત્વના સ્વપ્નને જન્મ આપ્યો.