ભાજપના વરિષ્ઠ નેતા નીતિન પટેલે યુવા પેઢીને ટેકનોલોજીના સંપૂર્ણ ઉપયોગ સાથે જમીની સ્તરે સક્રિય રીતે જોડાવા પર ભાર મૂક્યો છે. તેમણે જણાવ્યું કે, ટેકનોલોજીનો ઉપયોગ કાર્યક્ષમતા અને વ્યાપ વધારવા માટે અત્યંત જરૂરી છે, પરંતુ પ્રત્યક્ષ અનુભવ અને ક્ષેત્રીય કાર્યનું મહત્વ ઓછું આંકી શકાય નહીં. પટેલે આ મુદ્દાને એક ઉદાહરણ દ્વારા સ્પષ્ટ કર્યો. તેમણે કહ્યું કે, જો કોઈ ખેડૂત માત્ર ખેતી કેવી રીતે કરવી તેના વિડીયો જોયા કરે, તો તેનાથી પાક ઉત્પાદન શક્ય નથી. ખેડૂતે જાતે ટ્રેક્ટર ચલાવવું પડે, બિયારણ વાવવા પડે અને સિંચાઈ કરવી પડે, તો જ પાક ઉગે છે. આ જ રીતે, તમામ પ્રકારના સેવાકીય કામો અને રાષ્ટ્રહિતના કાર્યોમાં માત્ર ટેકનોલોજીના આધારે નહીં, પરંતુ શારીરિક અને વૈચારિક રીતે સ્વયં જોડાઈને કામ કરવું અનિવાર્ય છે. નીતિન પટેલનો આ સંદેશ ભાજપની યુવા કાર્યકર્તાઓને ડિજિટલ સક્ષમતા સાથે જનસેવા માટે પ્રત્યક્ષ પ્રયાસોનું મહત્વ સમજાવે છે.