વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે જ્યાં ત્રણ વર્ષના બાળક માટે ખરીદાયેલા જ્યુસના ટેટ્રાપેકમાંથી જીવડું નીકળ્યું હોવાનું સામે આવ્યું છે. બાળકએ થોડું જ્યુસ પીધા બાદ તેની તબિયત બગડતાં પરિવાર ચિંતિત બન્યો અને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. આ બનાવ બાદ પરિવાર અને હોસ્પિટલ સ્ટાફ બંને આશ્ચર્યમાં મુકાઈ ગયા હતા. બાળકના પિતાનો આરોપ છે કે, સાંજે ખરીદાયેલું ટેટ્રાપેક બાળકએ થોડું પીધું હતું. બાદમાં બાળકએ ગ્લાસમાં કાઢી આપવાનું કહ્યું. ગ્લાસમાં જ્યુસ કાઢતાં કાળા રંગનું પ્રવાહી અને દુર્ગંધ આવતા પરિવારને શંકા ગઈ. તાત્કાલિક બાળકને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં ડોક્ટરોએ પેકેટ તપાસવાનું કહ્યું. હોસ્પિટલમાં ટેટ્રાપેક ખોલીને તપાસ કરતા અંદરથી મોટું મરેલું જીવડું નીકળતા ડોક્ટરો અને પરિવાર ચોંકી ઉઠ્યા હતા. બાળકને કોઈ ઝેરી અસર ન થાય તે માટે તેને આઈસીયુમાં નિરીક્ષણ હેઠળ રાખવામાં આવ્યો છે. બાળકના પિતાએ આ મામલે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આ ઘટનાએ ફરી એકવાર પેકેજ્ડ ફૂડ અને પીણાંની ગુણવત્તા પર સવાલ ઉભા કર્યા છે. નાના બાળકોના આરોગ્ય સાથે સંકળાયેલી આવી બેદરકારી સામે કડક પગલાં લેવાય તેવી માંગ ઉઠી રહી છે.