આ તરફ નવસારીના ધરતીપુત્રોની પણ માવઠાએ મુશ્કેલી વધારી છે. કારણ કે કમોસમી વરસાદે માઝા મુકતાં ખેડૂતોને પડ્યા પર પાટા જેવી સ્થિતિ સર્જાઈ છે. રાજ્યમાં અંદાજે 5 મહિના જેટલું લાંબુ ચોમાસુ અને અવાર-નવાર કમોસમી વરસાદના મારથી ધરતીપુત્રોની હાલત કફોડી થઈ છે. એવામાં ભર શિયાળે કમોસમી વરસાદ થતા નવસારીના મરોલી અને વેસ્મા સહિતના વિસ્તારોમાં ખેડૂતોને રડવાનો વારો આવ્યો છે. ડિસેમ્બર અને જાન્યુઆરી માસ બાગાયતી પાકો માટે મહત્વનો સમય હોય છે. આ સમય દરમિયાન આંબા પર મંજરી બેસવાની શરૂઆત થાય છે. સાથે જ ચીકુના ફળ મોટા થતા હોય છે. પરંતુ કમોસમી વરસાદ વરસતા પાકમાં જીવાત અને રોગની પણ આશંકા સેવાઈ રહી છે. ત્યારે માવઠું દુશ્મન બનીને આવતા. તાતની માથે ચિંતાના વાદળો ઘેરાયા છે. દ્વારકાના ધરતીપુત્રોની. કારણ કે ફરીવાર કમોસમી આફત વરસતાં તાતના મોંએ આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવો ઘાટ ઘડાયો છે.દ્વારકાના ખંભાળિયા તાલુકાના ગોઈંજ, ચુડેશ્વર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસેલા અનરાધાર વરસાદે ખેડૂતોને રડવા મજબૂર કર્યા છે. ધરતીપુત્રોનું કહેવું છે કે ચોમાસામાં થયેલી પાક નુક્સાનીનું જે વળતર મળ્યું હતું તે વળતર રવિપાક માટે વાપરવામાં આવ્યું. પરંતુ ફરીવાર કમોસમી આફતથી ખેડૂતોના મોંઢામાં આવેલો કોળિયો પણ છીનવાઈ ગયો છે. કચ્છ જિલ્લામાં પણ અચાનક વાતાવરણ પલટો આવ્યા બાદ ધોધમાર વરસાદ ખાબક્યો. ભચાઉ અને રાપર તાલુકામાં આકાશી આફતના લીધે ખેતરો જાણે જળમગ્ન થઈ ગયા હોય તેવા દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે માવઠાના મારથી જીરું સહિતના પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે.