સાવજની ધરતી તરીકે ગુજરાતની ઓળખ બાદ. હવે વાઘે પણ દેખા દીધી છે. ત્યારે ગુજરાત આજે દેશનું એકમાત્ર એવું રાજ્ય બન્યું છે. જ્યાં એશિયાટિક સિંહ, ભારતીય દીપડો અને વાઘ.. આ ત્રણેય ટોચના શિકારી એક જ કુદરતી પરિદૃશ્યમાં સાથે જોવા મળી રહ્યા હોય. વાઘની ઉપસ્થિતિ ફરી દાહોદના રતનમહાલ અભ્યારણ્યમાં જોવા મળી છે. આ નર વાઘ ફેબ્રુઆરી 2025થી અહીં નિયમિતપણે જોવા મળી રહ્યો છે, તે ગુજરાતના ઇતિહાસમાં વાઘનો સૌથી લાંબો સમયગાળો છે. રતનમહાલના અભ્યારણ્યમાં 23 ફેબ્રુઆરી, 2025 એ રોજ પીપલગોટા રેન્જ અને કંજેટા રેન્જના સ્ટાફને મોટા કદના પગના નિશાન મળ્યા હતા. આ પગના નિશાન સામાન્ય દીપડા કરતાં મોટા હોવાથી. વનવિભાગે કેમેરા ટ્રેપ તપાસતા સૌ પ્રથમ 22 ફેબ્રુઆરી, 2025ના રોજ રાત્રે આશરે 2.40 વાગ્યે વાઘની તસવીર કેદ થયેલી જોવા મળી હતી. તેનાથી રતનમહાલ અભ્યારણ્યમાં વાઘની હાજરીની પુષ્ટી થઈ હતી.. અગ્ર મુખ્ય વન સંરક્ષકે જણાવ્યું કે, રાજ્યમાં મધ્ય અને દક્ષિણ ગુજરાત વાઘના વસવાટ માટે અનુકૂળ છે. હાલ રતનમહાલ વિસ્તારમાં દેખાયેલો વાઘ મધ્યપ્રદેશથી આવ્યો હોવાની તેઓએ શક્યતા વ્યક્ત કરી. સાથે વાઘના સંરક્ષણ અને નિભાવ મુદ્દે NTCAના આદેશ પ્રમાણે પગલા લેવાશે તેની પણ જાણ કરી. ગુજરાતમાં વાઘની હાજરી વન વિભાગ માટે એક મોટી સફળતાની સાથે સાથે પડકાર પણ છે.. અગાઉના વર્ષોમાં અનેકવાર વાઘ ગુજરાતમાં આવી ચૂક્યા છે. પરંતુ, તે ટૂંકાગાળામાં જ પરત પોતાના વિસ્તારમાં જતા રહેતા હતા. વર્ષ 2019માં પણ મહીસાગર જિલ્લામાં એક વાઘ જોવા મળ્યો હતો, જે મધ્યપ્રદેશના રાતાપાની અભયારણ્યમાંથી આવ્યો હતો. પરંતુ તે 20 દિવસમાં જ ખોરાકની અછતને કારણે મૃત્યુ પામ્યો હતો.