દિવાળીનો તહેવાર નજીક છે અને બજારમાં ખરીદીની ધૂમ છે. કપડાં, મીઠાઈઓ અને ઘરેણાંની દુકાનોમાં ગ્રાહકોની ભીડ જામી છે અને ખાસ કરીને લોકલ માર્કેટમાં ખરીદી માટે ભીડ એટલી હોય કે પગ મુકવાની પણ જગ્યા ન હોય અને આવા સમયે જ ચોર ટોળકીઓ પણ થતી હોય છે સક્રીય જે ખરીદી કરવા આવેલા ગ્રાહકની નજર ચુકવીને તેમનો કિંમતી સામાન લઈને ક્ષણભરમાં છુમંતર થઈ જાય. સુરતના ચૌટા બજારમાં ભીડ વચ્ચે ચોરીના બનાવો અટકવવા માટે પોલીસે સઘન ચેકિંગ અને લોકોને જાગૃત કરવાની ઝૂંબેશ શરૂ કરી છે. પોલીસ ચેકિંગ દરમિયાન જ એક મહિલાનું પાકીટ ચોરાઈ જવાની ઘટના બની, જેનાથી બજારમાં ગભરાટ ફેલાયો હતો. ચોરીનો ભોગ બનેલી મહિલાએ પોલીસ સમક્ષ પહોંચીને ચોધાર આંસુએ પોતાની વેદના વ્યક્ત કરતા કહ્યું હતું કે..મારા પર્સમાં ભારે મહેનત કરીને ભેગા કરેલા 10 હજાર રૂપિયા અને 35 હજારનો ફોન હતો. ચોરાઈ ગયો. પોલીસે મહિલાને સાંત્વના આપીને બીજા ગ્રાહકો આવી ઘટનાનો ભોગ ન બને તે માટે માર્ગદર્શન આપ્યું હતુ. પોલીસે કંઈ રીતે ચોરી થાય છે તેનો ડેમો રજૂ કરીને લોકોને જાગૃત કર્યા હતા.