અંબાલાલ પટેલે આગાહી કરી છે કે ૨૦ જૂન સુધીમાં રાજ્યના વિવિધ ભાગોમાં અણધાર્યો વરસાદ વરસી શકે છે. રાજ્યમાં અણધાર્યા વરસાદી ઝાપટાં પડી શકે છે. જેમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોનો સમાવેશ થાય છે. જ્યારે ધરતીપુત્રો જેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે, તે વાવણી લાયક વરસાદ 29 જૂનથી 5 જુલાઈ વચ્ચે થવાની સંભાવના છે. આ વર્ષે ચોમાસા પર અલ-નીનોની અસરને લઈને ચિંતાઓ સેવાઈ રહી છે. જો કે, અંબાલાલ પટેલે ગુજરાતના લોકોને મોટી રાહત આપતા દાવો કર્યો છે કે, આ વખતે સ્થિતિ વર્ષ 1972 જેવી ચિંતાજનક નહીં હોય.. વર્ષ 1972માં મજબૂત અલ-નીનોને કારણે ભયંકર દુકાળ પડ્યો હતો. પરંતુ આ વર્ષે અન્ય સાનુકૂળ પર્યાવરણીય પરિબળો વરસાદ લાવવામાં મદદ કરશે. અલ-નીનોના કારણે ક્યાંક અણધાર્યો વરસાદ આવી શકે છે. અને ચોમાસાની સિઝન દરમિયાન ક્યારેક અવરોધ અથવા બ્રેક આવવાની પણ શક્યતા રહેશે.