સુરત: શહેરમાં ગેરકાયદે દબાણો વિરુદ્ધ ચાલી રહેલી કડક ઝુંબેશ વચ્ચે, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) એ એક મોટું પગલું ભર્યું છે. ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણા દ્વારા બનાવવામાં આવેલી એક વિવાદાસ્પદ દીવાલનું આજે ડિમોલિશન કરવામાં આવ્યું હતું. છેલ્લા પાંચ વર્ષથી આ દીવાલ રોડને નડતરરૂપ હતી. ધારાસભ્યએ ફેરિયાઓના દબાણની આડમાં આ દીવાલ તાણીને પાર્કિંગ માટે જગ્યા બનાવી હતી, જે સ્પષ્ટપણે ગેરકાયદે દબાણ હતું. તંત્રએ રેકોર્ડ ચકાસ્યા: અગાઉ, શહેરના મેયરે આ દીવાલ મુદ્દે સ્પષ્ટતા કરી હતી કે, "જો રોડ પર દબાણ હશે તો કાર્યવાહી કરાશે, તેમાં કોઈ શરમ રાખવામાં આવશે નહીં." મેયરના આ નિવેદન બાદ તંત્રએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી હતી. કોર્પોરેશનના અધિકારીઓએ રેકોર્ડ ચકાસતા આ બાંધકામ ગેરકાયદે હોવાનું સાબિત થયું હતું. પોલીસ બંદોબસ્ત સાથે કાર્યવાહી: તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ નિરીક્ષણ કર્યા બાદ ગેરકાયદે દીવાલ તોડીને રોડને પુનઃ ખુલ્લો કરી દીધો હતો. વરાછા-સરથાણા બાદ હવે ચૌટાબજાર અને કોટસફિલ રોડ પર પણ દબાણો હટાવવાની કડક કાર્યવાહી કરાશે, તેવા સંકેતો મળી રહ્યા છે. આ કાર્યવાહી દર્શાવે છે કે દબાણના મામલે કોઈ પણ વ્યક્તિને છોડવામાં આવશે નહીં, ભલે તે સત્તાધારી પક્ષના નેતા હોય.