ગુજરાત કિસાન સંઘે રાજ્ય સરકાર સામે ગંભીર ચિંતા વ્યક્ત કરતાં ચેતવણી આપી છે કે સરકારે એ વાતની કાળજી લેવી જોઈએ કે ખેડૂતને રોડ પર ઉતરવું ન પડે. કુદરત ખેડૂત પર કોપાયમાન થઈ છેઃ ત્યારે બીજી તરફ સરકારી તંત્રની કાર્યવાહી ખેડૂતોની મજાક કરતી હોય તેવું લાગી રહ્યું છે. કિસાન સંઘનો મુખ્ય વિરોધ ટેકાના ભાવે મગફળીની ખરીદીને લઈને છે. સરકારે 1 તારીખથી મગફળીની ખરીદી કરવાની જાહેરાત કરી હોવા છતાં, કેટલી મગફળીની ખરીદી થશે તે અંગેની કોઈ સ્પષ્ટ જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. કિસાન સંઘે પ્રશ્ન કર્યો છે કે, જો ખેડૂતો આવતીકાલે તેમની જણસી (મગફળી) લઈને જશે, તો શું ખરેખર તેની ખરીદી થશે? સંઘે તંત્રને તાત્કાલિક ખરીદીની નીતિ સ્પષ્ટ કરવા અને ખેડૂતોના હિતમાં નક્કર પગલાં લેવા આગ્રહ કર્યો છે.