ડાંગ જિલ્લામાં સતત વરસાદને પગલે સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. પ્રાકૃતિક સૌંદર્યને માણવા પ્રવાસીઓ દૂર દૂરથી આવી રહ્યા છે. ડાંગમાં વરસતા વરસાદને પગલે જિલ્લાની બધી નદીઓ જીવંત થઈ ગઈ છે. અંબિકા, પૂર્ણાં, ગીરા અને ખાપરી બે કાંઠે વહેવા લાગે છે. જેને કારણે અનેક વોટરફોલ સક્રિય બન્યા છે.જેમાં ગીરા ધોધની જેમ ડાંગનો વધુ એક ધોધ ચોમાસામાં રમણીય બની જતો હોય છે. સુબિરના સિંગાણા ગામે આવેલ ગિરમાળ ધોધ હાલ રૌદ્ર સ્વરૂપમાં જોવા મળ્યો છે. જોકે, તેનું રૌદ્ર સ્વરૂપ પણ આંખોને ટાઢક આપે તેવા દ્રશ્યો સર્જે છે. ગિરિમાળ ધોધ ગુજરાતના સૌથી મોટા ધોધ તરીકે જાણીતો છે. ગિરમાળ ધોધના આહલાદક દ્રશ્ય જોવા પ્રવાસીઓ ઉમટ્યા છે.