ભાવનગર જિલ્લામાં બોર્ડ પરીક્ષાને લઈને એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં ડમી વિદ્યાર્થી બેસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. મહુવામાં એક શિક્ષકે જ વિદ્યાર્થી બનીને પરીક્ષા આપ્યાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે, જેને લઈને શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે. માહિતી મુજબ, ધોરણ 12ની રીપીટ પરીક્ષા દરમિયાન આ ગેરરીતિ સામે આવી હતી. આરોપ છે કે શિક્ષકે મૂળ વિદ્યાર્થીના સ્થાને બેસીને પરીક્ષા આપી હતી. આ સમગ્ર મામલો સીટ નંબર, પરીક્ષાની રસીદ અને CCTV ફૂટેજના આધારે બહાર આવ્યો છે, જેના કારણે તપાસને વધુ મજબૂતી મળી છે. આ ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને શિક્ષણ અધિકારી કચેરીના નિરીક્ષકે સમગ્ર મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી છે. ફરિયાદના આધારે આરોપી શિક્ષક તેમજ ધાર્મિક ઢાપા સહિત બે વ્યક્તિઓ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. હાલમાં પોલીસ અને સંબંધિત અધિકારીઓ આ કેસની વધુ તપાસ કરી રહ્યા છે. ખાસ કરીને, પરીક્ષા માટે કોઈ નાણાકીય સોદો થયો હતો કે નહીં તે દિશામાં પણ તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે. આ ઘટનાએ શિક્ષણ વ્યવસ્થાની વિશ્વસનીયતા પર સવાલો ઉભા કર્યા છે.