ગમે તેટલા વ્યસ્ત હોય.પણ "ગરબાપ્રેમી"ઓ નવરાત્રીમાં ગરબે ઘૂમવાની તક ઝડપી જ લેતા હોય છે. પરંતુ, આ જામેલા ગરબાની વચ્ચે જો કોઈ ઈમરજન્સી આવી પડે તો "મોજ"ને છોડીને પણ પહેલાં પ્રાધાન્ય અપાય માનવ સેવાને. કંઈક આવા જ દ્રશ્યો. સુરતમાંથી સામે આવી રહ્યા છે. કે જ્યાં ચણિયાચોળીમાં સજ્જ એક મહિલા હોસ્પિટલની અંદર સારવાર આપતા નજરે પડી રહ્યા છે. હકીકતમાં વીડિયોમાં દેખાતા મહિલા... ડૉ. કલ્પના સવાણી છે. અને ખાનગી હોસ્પિટલમાં ફરજ બજાવે છે. ગરબા રમવાનો શોખ હોઈ તેમણે નવરાત્રી પહેલાં જ તમામ તૈયારી કરી લીધી. પ્રથમ નોરતે ચણિયાચોળીમાં સજ્જ થઈ ગરબા ગ્રાઉન્ડમાં પહોંચ્યા. પરંતુ, હજુ તો એક જ રાઉન્ડ ફર્યા અને હોસ્પિટલમાંથી ઈમરજન્સી કોલ આવી ગયો. સમાચાર મળ્યા કે બારડોલીથી એક ઈમરજન્સી પેશન્ટને હોસ્પિટલમાં લવાઈ રહ્યા છે. દર્દીનું હાર્ટ બંધ થઈ ગયું હોઈ પમ્પિંગ કરતાં હોસ્પિટલ લવાઈ રહ્યા છે. દર્દીને બારડોલીથી સુરત પહોંચતા 30 મિનિટનો સમય લાગ્યો. અને એટલાં જ સમયમાં તબીબ ફરજ પર હાજર થઈ ગયા. વેન્ટિલેટર સપોર્ટ પર રહેલા દર્દીને સત્વરે સારવાર મળી. અને તેમનો જીવ બચી ગયો. દર્દીનું કહેવું છે કે તેમનો શ્વાસ એકાએક રુંધાયો અને તેમણે તો દીકરાને ત્યાં સુધી કહી દીધું કે આજે તે બચવાના નથી. બે હોસ્પિટલ ફર્યા બાદ તેમને સુરતની ખાનગી હોસ્પિટલમાં લવાયા. અને ત્વરિત સારવાર મળતા તેમનો જીવ બચી ગયો. દર્દીનો જીવ બચવાને જ ડૉ. કલ્પના માતાજીના સાચા આશીર્વાદ ગણાવી રહ્યા છે. તેમની ગરબાની રમઝટ ભલે અધૂરી રહી ગઈ પણ "અમૂલ્ય જિંદગી" બચી ગઈ.