ગુજરાત અને રાજસ્થાન વચ્ચે રેલવે કનેક્ટિવિટીને વધુ મજબૂત બનાવતી મહત્વપૂર્ણ શરૂઆત થઈ છે. સુરતથી ઉદયપુર વચ્ચે નવી વંદે ભારત એક્સપ્રેસને લીલી ઝંડી આપવામાં આવી છે. સુરત રેલવે સ્ટેશન પરથી સી.આર. પાટીલે આ નવી ટ્રેન સેવાને લીલી ઝંડી આપી હતી. નવી વંદે ભારત એક્સપ્રેસ શરૂ થતાં બંને રાજ્યો વચ્ચે મુસાફરી કરતા લોકો માટે વધુ ઝડપી અને સુવિધાજનક રેલવે વિકલ્પ ઉપલબ્ધ બનશે. સુરત-ઉદયપુર વંદે ભારત એક્સપ્રેસ સપ્તાહમાં છ દિવસ દોડશે. આ ટ્રેન સુરતથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને બપોરે 1:40 વાગ્યે ઉદયપુર પહોંચશે. જેના કારણે સુરત અને આસપાસના વિસ્તારોમાંથી રાજસ્થાન તરફ જતા મુસાફરોને સમયની બચત સાથે ઝડપી મુસાફરીનો લાભ મળશે. આ નવી ટ્રેન સેવાનો ખાસ ફાયદો શ્રીનાથજી દર્શન માટે રાજસ્થાન જતા શ્રદ્ધાળુઓ તેમજ ગાંધીનગર તરફ મુસાફરી કરતા મુસાફરોને થઈ શકે છે. સુરતથી ઉદયપુર સુધીની કનેક્ટિવિટી સરળ બનતા ધાર્મિક અને પ્રવાસન સ્થળોની મુલાકાત લેતા લોકો માટે પણ મુસાફરી વધુ સુગમ બનવાની શક્યતા છે. સુરત અને ઉદયપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ શરૂ થવાથી માત્ર મુસાફરોને જ નહીં, પરંતુ બંને રાજ્યોના પ્રવાસન અને વેપાર ક્ષેત્રને પણ વેગ મળવાની અપેક્ષા છે. ગુજરાત અને રાજસ્થાન વચ્ચે લોકોની અવરજવર વધશે અને વેપાર-ધંધા સાથે જોડાયેલા લોકોને પણ ઝડપી રેલવે કનેક્ટિવિટીનો લાભ મળી શકે છે. નવી વંદે ભારત સેવા સાથે ગુજરાત-રાજસ્થાન વચ્ચે રેલવે નેટવર્ક વધુ મજબૂત બન્યું છે. સપ્તાહમાં છ દિવસ ચાલનારી આ ટ્રેન સુરત સહિતના વિસ્તારોના મુસાફરો માટે ઉદયપુર અને રાજસ્થાન સાથે જોડાવાનો વધુ ઝડપી વિકલ્પ બની શકે છે.