સગી બહેન એક પણ નહીં. છતાં 3 હજારથી વધુ દીકરીઓના ‘ભાઈ’ બન્યા છે આ શિક્ષક! 12 વર્ષથી દીકરીઓના અધૂરા સપનાઓને ભણતરની પાંખ આપનાર સુરતના નરેશ મહેતાને આજે 321 દીકરીઓએ એકસાથે રાખડી બાંધી. આર્થિક અને પારિવારિક કારણોસર ભણતર છૂટી ગયેલી દીકરીઓ અને મહિલાઓને શિક્ષક નરેશ મહેતા છેલ્લા 12 વર્ષથી વિનામૂલ્યે ભણાવી રહ્યા છે. રોજ સાંજે ઓનલાઇન બે બેચમાં ધોરણ 10-12 બોર્ડ અને કોલેજની પરીક્ષાની તૈયારી કરાવે છે.. એટલું જ નહીં, સમગ્ર ગુજરાતમાં મફત પુસ્તકો પણ પહોંચાડ્યા છે.. તેમની પાસેથી ભણીને અનેક દીકરીઓ આજે સરકારી નોકરી, બેંક અને હોસ્પિટલમાં સેવા આપી રહી છે. વર્ષોથી માત્ર ઓનલાઈન બેચમાં સ્ક્રીન પર દેખાતા ભાઈને આજે 321 દીકરીઓએ રૂબરૂ મળીને રાખડી બાંધી.. અને શિક્ષકનો હાથ રાખડીઓથી ભરાઈ ગયો, ત્યારે લાગણીથી ભરાયેલી આ રક્ષાબંધને ગુરુ-શિષ્યના સંબંધને ભાઈ-બહેનના પ્રેમમાં બદલી દીધો.