ખાંડ મોંઘી એટલે મીઠાઈ મોંઘી અને હવે તહેવારની મીઠાશ પર મોંઘવારીનો માર..! હવે વાત જામનગરની જ્યાં મીઠાઈઓના ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી ખાંડના ભાવમાં સતત વધારો થતાં મીઠાઈ બનાવવાનો ખર્ચ વધ્યો છે. ખાંડ ઉપરાંત દૂધ, માવો, ડ્રાયફ્રૂટ્સ અને ઘી જેવા કાચા માલના ભાવ પણ વેપારીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે. વધેલા ખર્ચને કારણે મીઠાઈના ભાવમાં વધારો કરવો પડ્યો છે. જે મીઠાઈ 400થી 600 રૂપિયા કિલો વેચાતી હતી તેના ભાવ હવે સીધા 650થી 1000 હજાર સુધી પહોંચ્યા છે. તહેવારોમાં મીઠાઈની માંગ વધવાની છે, પરંતુ વધેલા ભાવને કારણે ગ્રાહકો હવે ભાવની સરખામણી કરી રહ્યા છે અને જથ્થો ઘટાડીને ખરીદી કરી રહ્યા છે. જ્યાં અગાઉ એક કિલો મીઠાઈ લેવાતી હતી, ત્યાં હવે અડધો કિલો કે પ્રમાણમાં સસ્તી મીઠાઈ પસંદ કરાઈ રહી છે. વેપારીઓ માટે પણ સ્થિતિ પડકારજનક છે. કારણ કે ભાવ ન વધારે તો નફો ઘટે અને ભાવ વધારે તો વેચાણ ઘટવાની ચિંતા વધે. જો કે વેપારીઓનું કહેવું છે કે ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે મીઠાઈઓનો જથ્થો અને વેચાણ ઘટી શકે તેવી આશંકાએ વેપારીઓ પણ મુશ્કેલમાં મુકાયા છે.