અમદાવાદમાં સુભાષ બ્રિજમાં (Subhash Bridge) તિરાડો પડ્યા બાદ તંત્ર સફાળું જાગ્યું છે અને શહેરના અન્ય બ્રિજની તપાસ તેમજ સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના મણિનગર વિસ્તારમાં આવેલા ગુરુજી બ્રિજ પર પણ મોટા ગાબડાં પડ્યા હોવાનું અને સળિયા દેખાતા હોવાનું સામે આવ્યું છે, જેના પગલે તંત્ર દ્વારા તાત્કાલિક ગાબડાં પૂરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યના તમામ બ્રિજની તપાસ કરવામાં આવી હતી અને અમદાવાદના 82 બ્રિજનું પણ ઇન્સ્પેક્શન થયું હતું. ત્યારે સવાલ એ ઊભો થાય છે કે, જો આ તપાસ બાદ રિપોર્ટના આધારે તાત્કાલિક પગલાં કેમ ન લેવાયા? સુભાષ બ્રિજની વર્તમાન સ્થિતિ જોતા લોકોમાં ભય છે કે જો આ બ્રિજ વધુ એક અઠવાડિયું શરૂ રહ્યો હોત તો શું ગંભીર પરિણામ આવ્યું હોત.