જામનગરના દિવાનખાના ચોકી વિસ્તારમાં ચોરીની અજીબોગરીબ ઘટના બની. અહીં વહેલી સવારે સાઇકલની ચોરીની ઘટના બની. અબ્બાસ નામના વ્યક્તિએ પોતાની સાયકલ ઘરની બહાર લોક કર્યા વિના રાખી. આ દરમિયાન એક તસ્કર આવ્યો અને આસપાસ કોઇ ન હોવાથી સાયકલ ઉપાડીને રફુચક્કર થઈ ગયો. પરંતુ, તસ્કરની આ સમગ્ર કરતૂત નજીકના ઘરમાં લગાવેલા સીસીટીવીમાં કેદ થઇ ગઇ. જે બાદ અબ્બાસે સમય ગુમાવ્યા વિના ચોરીના સીસીટીવી ફૂટેજ પોતાના નંબર સાથે સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા. સાઇકલ ચોરીનો વીડિયો એટલો ઝડપથી વાઈરલ થયો કે તેની માહિતી સાઇકલ ચોર સુધી પણ પહોંચી ગઈ. સોશિયલ મીડિયા પર પોતાની કરતૂત ખુલ્લી પડી જવાનો ડર લાગતા તસ્કર ગભરાઇ ગયો. ડરના માર્યા ચોર બપોરે ફરીથી આવ્યો અને તેમણે જે સ્થળેથી સાઇકલ ચોરી હતી ત્યાં જ સાઇકલ પરત મુકીને નાસી છૂટ્યો.