રાજકોટ શહેરમાં ડામરના રોડના કામમાં થયેલી ગેરરીતિનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. રાજકોટના મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા દ્વારા વોર્ડ નંબર 11માં આવેલા ભીમનગર વિસ્તારમાં ડામર રોડના કામનું સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મોટા પાયે અનિયમિતતાઓ જોવા મળી હતી. આ તપાસ દરમિયાન ડામરની જાડાઈમાં ક્ષતિઓ અને વપરાયેલા મટિરિયલની નબળી ગુણવત્તા સ્પષ્ટપણે બહાર આવી હતી, જે રોડની ટકાઉપણું અને ગુણવત્તા પર ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. આ ગંભીર બેદરકારી બદલ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ડામરનો રોડ બનાવતી કોન્ટ્રાક્ટ એજન્સી પ્રદીપ કન્સ્ટ્રક્શનને નોટિસ ફટકારવામાં આવી છે. આ ઉપરાંત આ કામગીરીની દેખરેખ માટે જવાબદાર ડેપ્યુટી એન્જિનિયર આઈ. યુ. વસાવા અને કરાર આધારિત એન્જિનિયર દીપક ભોજાણીને પણ ખુલાસો કરવા માટે નોટિસ પાઠવવામાં આવી છે. આ કાર્યવાહી રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તાજેતરમાં તમામ મહાનગરપાલિકાના કમિશનરો, મેયરો અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનો સાથેની બેઠકમાં અધિકારીઓને કામમાં ગુણવત્તા અને પારદર્શિતા જાળવવા આપેલી ટકોરના અનુસંધાનમાં આવી છે. મુખ્યમંત્રીની આ ટકોર બાદ અધિકારીઓ હવે ફિલ્ડમાં ઉતરીને સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરી રહ્યા છે, જેનું પરિણામ આ ગેરરીતિના ખુલાસા રૂપે સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રીએ કરેલી ટકોર બાદ અધિકારીઓ ફિલ્ડમાં સરપ્રાઈઝ ચેકિંગ કરી રહ્યા છે. આ દરમ્યાન રાજકોટના મ્યુનિસિપલ કમિશનરે વૉર્ડ નંબર-11માં બની રહેલા ડામરના રોડનું ચેકિંગ કરતા તેમાં ગેરરીતિ સામે આવી છે. મ્યુનિસિપલ કમિશનરે ડેપ્યુટી એન્જિનિયર આઈ.યુ.વસાવા અને કરાર આધારિત એન્જિનિયર દીપક ભોજાણીને નોટિસ ફટકારી જવાબ માંગ્યો છે. જો કે સવાલ એ થાય છે કે છેલ્લા કેટલા સમયથી ડામરના રોડમાં આ રીતે લોલંલોલ ચાલે છે.