રાજકોટમાં પણ કોથમીરના ભાવમાં ધરખમ વધારો નોંધાયો છે. કોથમીરના કિલોના ભાવ 250 રૂપિયાએ પહોંચ્યાં છે. હાલમાં માર્કેટમાં ૭૦ ટકા આવક ઓછી હોવાને કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે. વેપારીઓના જણાવ્યા અનુસાર પાછોતરા વરસાદને કારણે ધાણાના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે. જેના કારણે આવક ઓછી અને ભાવ વધી રહ્યાં છે. જોકે દિવાળી સુધી ભાવમાં રાહત નહીં મળે તેવો વેપારીઓએ દાવો કર્યો છે. વડોદરામાં પણ ગૃહણિઓ ભાવ વધારાને લઈ ચિંતામાં મુકાઈ છે. કોથમીરના ભાવ વધીને 150થી 250 રૂપિયા સુધી પહોંચી ગયા છે. પહેલા તો ગૃહણિઓને મફતમાં કોથમીર મળી રહેતી હતી પરંતુ હવે એક કિલો કોથમીર લેતા પહેલા પણ ગૃહણિઓને વિચાર કરવો પડે છે. બેંગલોર અને નાસિકથી આવતી કોથમીર ગરમીમાં કોહવાઈ જતા નાશ કરવો પડે તેવી સ્થિતિ પણ ઉભી થઈ છે. જોકે દિવાળી બાદ જ ભાવમાં ઘટાડો થાય એવો વેપારીઓ દાવો કરી રહ્યા છે.