હિંદુ માન્યતાઓમાં એવી કથા પ્રચલિત છે કે જ્યારે માતાજી તપમાં લીન હતા ત્યારે એક સિંહ આવીને માતાજીનું તપ પૂરું થાય તેવી રાહમાં તેમની પાસે બેસી રહ્યો હતો. આવી જ અનોખી ઘટના ભાવનગર જિલ્લાના પાલિતાણા ખાતે આવેલા શેત્રુંજય પર્વત પર જોવા મળી છે. અહીં માતાજીના નાનકડા મંદિર નજીક એક સિંહ આવ્યો અને થોડીવાર માટે મૂર્તિ પાસે બેસી રહેતો નજરે ચડ્યો હોવાનું ફોટા અને વીડિયોમાં જોવા મળે છે. આ દૃશ્યો વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. શક્યતા છે કે સિંહ ગરમીથી બચવા માટે આ ઠંડકવાળા સ્થળે આવ્યો હોય, પરંતુ ચૈત્રી નવરાત્રીના સમયમાં માતાજીના ધામે તેની હાજરીને લોકો ધાર્મિક દ્રષ્ટિકોણથી પણ જોઈ રહ્યા છે. આ અનોખો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.