સમગ્ર રાજ્યમાં જ્યારે ઉનાળાની કાળઝાળ ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે, ત્યારે ગુજરાતના ઍકમાત્ર હિલ સ્ટેશન સાપુતારા ખાતે પ્રકૃતિની અનોખી મહેર જોવા મળી રહી છે. એક તરફ વેકેશનનો માહોલ અને બીજી તરફ છેલ્લા ત્રણ ચાર દિવસથી બદલાયેલું વાતાવરણ અને દિવસભર ફૂંકાતી ઠંડી હવાને કારણે ડાંગનાં સાપુતારામાં સહેલાણીઓનો મેળો જામ્યો છે. ગરમીથી બચવા અને વેકેશન માણવા લોકો સાપુતારા તરફ દોટ મુકી રહ્યા છે. પ્રવાસીઓ અલગ અલગ રાઇડની સાથે બોટિંગ, ઝીપ લાઈનિંગ, ઘોડેસવારી અને ઊંટ સવારીની મઝા માણી રહ્યા છે. ઇંધણમાં અસમંજસની સ્થિતિ અને અફવાઓને કારણે ચાલુ વર્ષે પ્રવાસીઓની સંખ્યામાં ધાર્યા કરતાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. જેને કારણે સ્થાનિક હોટલ ઉદ્યોગ અને નાના પાયાના ધંધાર્થીઓ હાલમાં થોડી મંદીનો સામનો કરી રહ્ના છે. આમ છતા હવે પ્રવાસીઓ વધતા રાઇડ સંચાલકોને સારી કમાણીની આશા છે. કુદરતી સૌંદર્યની સાથે વાતાવરણ ખુશનુમા હોવાના કારણે મોટેરાઓની સાથે બાળકો પણ તેમનાં વેકેશનની મઝા માણી રહ્યા છે.