અમદાવાદ શહેરમાં મુસાફરી કરતા લાખો નગરજનોના ખિસ્સા પર મોટો આર્થિક બોજ પડવા જઈ રહ્યો છે. ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા કોઈ બેઠક ન બોલાવવામાં આવતા, અમદાવાદના રિક્ષા ચાલક એસોસિએશને રેટ કમિટીની સત્તાવાર મંજૂરી વગર જ રિક્ષા ભાડામાં મોટો વધારો ઝીંકી દીધો છે. હવે રિક્ષાનું મિનિમમ ભાડું ૨૦ રૂપિયાથી વધારીને સીધું ૩૦ રૂપિયા કરી દેવામાં આવ્યું છે. આ મિનિમમ ભાડા બાદ પ્રતિ કિલોમીટર દીઠ ૫ રૂપિયાનો વધારો કરાયો છે, એટલે કે હવે મુસાફરોએ પ્રતિ કિલોમીટર ૧૫ રૂપિયાના બદલે ૨૦ રૂપિયા ચૂકવવા પડશે. એસોસિએશનનો દાવો છે કે, CNGના ભાવમાં ૭ રૂપિયાનો વધારો થયો છે. અને છેલ્લા ચાર વર્ષથી સત્તાવાર ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. જેના કારણે આ નિર્ણય લેવા મજબૂર થવું પડ્યું છે. રિક્ષા ચાલકો દ્વારા હવે મુસાફરોને આ નવું અને વધારેલું ભાડું ચૂકવવા માટે અપીલ કરવામાં આવી રહી છે, જેને પગલે આગામી દિવસોમાં ઘર્ષણ થવાના એંધાણ છે.